સુરત: (Surat) શહેરની કાપડ માર્કેટો, વિવિંગ, એમ્બ્રોઇડરી એકમો, કેટલીક મિલો અને હીરાનાં કારખાનાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં બંધ પડ્યાં છે. ત્યારે મોટી સંખ્યામાં કામદારો આ વખતે વતને ગયા નથી. આવી સ્થિતિમાં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઇન્ટુક)એ કલેક્ટરને આવેદનપત્ર આપી જે કામદારો અને લારી-ગલ્લાવાળાઓ બેરોજગાર બન્યા છે તેઓ આધારકાર્ડ રજૂ કરે તો તેમને વિનામૂલ્યે અનાજ (Free grain) અને મરી-મસાલા તેલ આપવા જોઇએ. ટેક્સટાઇલ માર્કેટ, લૂમ્સ, ડાઇંગ-પ્રોસેસિંગ, હીરા કારખાનાં સહિતના અન્ય તમામ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તમામ તમામ કામદારોને (Workers) બંધના દિવસોનો પણ પગાર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.
ઇન્ટુકના પ્રદેશ મહામંત્રી કામરાન ઉસ્માની, ઉમાશંકર મિશ્રા, શાનખાન અને સુરેશ સોનવણેએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોના કેસો ખૂબ ઝડપથી વધ્યા છે. આ તબક્કે સુરત જિલ્લા અને શહેરની પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર બની છે. રોજબરોજ કોરોના કેસોમાં ભરખમ વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લેતાં સરકાર, જિલ્લા, મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા સુરત શહેર અને જિલ્લામાં વિવિધ પ્રકાર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના કારણે શહેરમાં અને જિલ્લાનાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો તથા લારીગલ્લા-પાથરણાવાળા શ્રમિકો બેરોજગાર બન્યા છે.
જેથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો તથા શ્રમિકોએ પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે ભૂતકાળના લોકડાઉનમાં સરકાર તરફથી જે ભૂલો થઈ હતી અને જે પ્રકારે શ્રમજીવીઓને તકલીફો વેઠવી પડી હતી તે ખૂબ જ પીડાજનક હતું. હાલ સુરતમાં લોકડાઉન થવાના કારણે પરપ્રાંતીય કામદારો અને શ્રમિકો આર્થિક રીતે ખૂબ જ કફોડી પરિસ્થિતિમાં છે. આ બાબતે અગાઉ તા.24/03/2021 રોજ કામદારો માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ કોઇ પગલાં લેવાયાં નથી. હવે પછી દિન-7માં નિર્ણય નહીં લેવાય તો આ બાબતને ગત વર્ષની જેમ ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
ઇન્ટુકે કલેક્ટર સમક્ષ આ રજૂઆત કરી
શહેરમાં તમામ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો, લારીગલ્લા-પાથરણાવાળા, ટેમ્પો-રિક્ષાચાલક, રોજિંદી છૂટક મજૂરી કરતા શ્રમજીવીઓ તથા ગરીબ પરિવારોને સરકારી અનાજની દુકાનથી આધાર કાર્ડ ઉપર મફત રાશન આપવામાં આવે. તથા રોકડ આર્થિક સહાય મેળવવા માટે દેશનાં તમામ રાજ્યોનું આધારકાર્ડ માન્ય રાખવામાં આવે. ટેક્સટાઇલ માર્કેટ, લૂમ્સ, ડાઇંગ-પ્રોસેસિંગ, હીરા કારખાનાં સહિતના અન્ય તમામ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તમામ તમામ કામદારોને બંધના દિવસોનો પણ પગાર આપવામાં આવે.