ગરીબોને મફત અનાજની યોજના જ ભાજપનો હુકમનો એક્કો સાબિત થઇ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેબિનેટ બેઠક બાદ ‘PM ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને વધુ છ મહિના લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજના 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી હવે સપ્ટેમ્બર સુધી મફત દેશના કરોડો જરૂરિયાતમંદોને રાશન મળશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ તેનો લાભ લઈ શકશે. આ સરકારી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને 1003 લાખ ટન અનાજનું વિતરણ કરશે, જેનો અંદાજિત ખર્ચ 3.4 લાખ કરોડ રૂપિયા છે.

કોરોના મહામારી શરૂ થયા બાદ ગરીબ પરિવારોને મફત અનાજ આપવા માટે સરકારે માર્ચ, 2020માં આ યોજના શરૂ કરી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 80 કરોડથી વધુ લાભાર્થીઓને મફત રાશન આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના પાંચ તબક્કાઓ ચલાવવામાં આવ્યા છે. ખાદ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 759 લાખ ટન અનાજનું વિતરણ કર્યું છે જેમાં 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે. આ પહેલા ઉત્તર પ્રદેશના મંત્રીઓની મળેલી બેઠક બાદ શપથવિધીના બીજા જ દિવસે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશમાં ગરીબોને અનાજ આપવાની યોજના વધુ ત્રણ મહિના લંબાવવામાં આવી છે.

આમ સવારે જંગી બહુમતિથી ચૂંટણી જીતનાર ભાજપ શાશિત રાજ્ય ઉત્તર પ્રદેશ માટે યોગીએ જે જાહેરા કરી તેના કરતાં પણ મોટી જાહેરાત નરેન્દ્ર મોદીએ આખા દેશ માટે કરી છે. આ યોજના શરૂઆતમાં કોરોના કાળ દરમિયાન એપ્રિલ થી જૂન 2020થી માટે શરૂ થઇ હતી અને ત્યારબાદ તબક્કાવાર તેને લંબાવવામાં આવી હતી અને માર્ચ 2022માં આ યોજના પૂરી થઇ રહી હતી ત્યારે ફરી એક વખત આ યોજના લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ યોજના માટે ગરીબોને તો લાભ થાય જ છે પરંતુ સાથે સાથે ભાજપને પણ થઇ રહ્યો છે. જે ચાર રાજ્યોમાં ભાજપે જંગી બહુમતિથી જીત મેળવી છે તે તમામ રાજ્યોમાં મફત અનાજ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ કરી ગઇ છે.

ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો અહીં મહિલાઓ જેમાં મુસ્લિમ મહિલાઓએ ભાજપ તરફી મતદાન કર્યું છે. બીજી તરફ પછાતવર્ગ જેને પૂજતા હતા તે માયાવતિનો સાથ છોડીને ભાજપને ખોબેખોબા ભરીને મત આપ્યા છે અને તેમાં પણ મફત અનાજનો મુદ્દો ખૂબ કામ કરી ગયો છે. આ મુદ્દા સામે પેટ્રોલ-ડિઝલ કે પછી રાંધણગેસની મોંઘવારીનો મુદ્દો ટકી શક્યો નથી. લોકોએ મોંઘવારીને ભૂલીને મફત મળેલા અનાજને ભાજપના ઉપકારની જેમ જોઇ છે એટલે જ મતો આપ્યા છે. હવે ભાજપ સારી રીતે જાણી ગયો છે કે, અન્ય કોઇ પણ મુદ્દા ઉપર આ મુદ્દો વધારે હાવી થઇ ગયો છે એટલે ફરી એક વાર આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ જે રીતે મળી રહ્યો છે તે જોતા એવુ લાગી રહ્યું છે. આ યોજનાને પહેલા કરતાં પણ વધુ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવશે. જેનો સીધો લાભ આગામી બે રાજ્યોની ચૂંટણીમાં મળી શકે તેમ છે.

Most Popular

To Top