SURAT

ખરા અર્થમાં આમ ભણશે ગુજરાત, સુરતનાં યુવાનો કરી રહ્યા છે અનોખું કામ

સુરત: સુરત(Surat)માં ગરીબ પરિવારોમાંથી આવતાં બાળકો શિક્ષણ(Education)થી વંચિત ન રહે અને ભણી-ગણીને સરકારી નોકરી(Government job) માટેની તૈયારી કરી પગભર થઇ શકે એ માટે પાંડેસરા(Pandesara) વિસ્તારના નાગસેનગર ખાતે બે યુવાનો દ્વારા વિનામૂલ્યે અભ્યાસ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. આ અભ્યાસ કેન્દ્રને યુવાનોએ બુદ્ધ વિહાર નામ આપ્યું છે. જ્યાં શિક્ષકો પણ સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે નોકરીલક્ષી પૂર્વ તૈયારી કરાવી રહ્યા છે.

  • પાંડેસરામાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારનાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ
  • બે યુવાનો 10 વર્ષથી ચલાવી રહ્યા છે આ અભ્યાસ કેન્દ્ર
  • વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસીની પણ તૈયારી કરી રહ્યા છે

આર્થિક રીતે પછાત પરિવારોનાં બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકતાં ન હોય તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન નહીં મળવાને કારણે સરકારી નોકરીથી પણ વંચિત રહી જાય છે, ત્યારે આવાં બાળકોને સાચી દિશામાં લઇ જવાનું વિચારીને છેલ્લાં 12 વર્ષથી પાંડેસરાના નાગસેનનગર ખાતે સમાધાન ખેરનાર, મહેન્દ્ર કાપુડે, હિરાલાલ પાનપાટીલ, સુરેશભાઇ સાલવે, પારસ રણધીરે અને પ્રશાંત ઢીવરે બુદ્ધવિહાર વિનામૂલ્યે શિક્ષણ કેન્દ્ર ચલાવી રહ્યા છે. સ્વૈચ્છિક રીતે આ તમામ યુવકો કોઇપણ જાતના મતભેદ વગર ગરીબ પરિવારનાં બાળકોને અભ્યાસ કરાવે છે.

શિક્ષણ અંગે સમજણ આપીને ભણાવાઈ છે
ધોરણ-1થી લઇ બી.કોમ., બીએસસી, જીપીએસસી અને યુપીએસસીની પણ તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષથી ધોરણ-1થી 9ના ક્લાસ ચલાવવામાં આવે છે. સાંજે 6થી 8 ક્લાસ લેવાય છે, જેમાં બાળકોને રમતગમત પણ કરાવાઇ છે. પાંડેસરા વિસ્તારનાં બાળકો કે જેમનાં માતા-પિતા મજૂરી કરે છે તેમજ એવાં બાળકો કે જેમણે અભ્યાસ છોડી દીધો છે તેમને પણ શિક્ષણ અંગે સમજણ આપીને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

ધોરણ-4થી અભ્યાસ શરૂ કર્યો અને આજે બીએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું : સરલા સમુદ્રે
સામાન્ય પરિવારમાંથી આવતી સરલા શાંતિલાલ સમુદ્રેએ જણાવ્યું હતું કે, હું ધોરણ-4માં હતી ત્યારથી પાંડેસરા નાગસેનનગરના અભ્યાસ કેન્દ્રમાં અભ્યાસ કરે છે. અભ્યાસ કેન્દ્ર ચલાવતા પ્રશાંત ઢીવર સહિતની ટીમ તેમને ઘણું પ્રોત્સાહન આપે છે. તાજેતરમાં વાંચનાલયની પણ શરૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top