SURAT

દુબઈ નારીયેળ મોકલવાના છે કહીને સરથાણાના વેપારી સાથે 59.58 લાખની છેતરપિંડી

સુરત: અમરોલી (Amroli) ખાતે રહેતા અને સરથાણામાં (Sarthana) નારિયેળનો (Coconut) વેપાર કરતા વેપારીને તેના મામાના સાળા અને તેમના બે પુત્રોએ વિશ્વાસમાં લઈને નારીયેળનો 59.58 લાખનો માલ દુબઈ મોકલી આપ્યો હતો. જેનું પેમેન્ટ નહીં આપી પિતા-પુત્રો દુબઈ ભાગી ગયા હતા. સરથાણા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • સુતરીયા પિતા-પુત્ર સહિત 5 સામે પોલીસે ગુનો દાખલ કર્યો
  • સરકારી સબસીડી મળશે તેમ કહીને વિશ્વાસ અપાવી રોકાણ કરાવ્યું હતું

અમરોલી ખાતે મારૂતિધામ સોસાયટીમાં રહેતા 38 વર્ષીય રાજુભાઈ દામજીભાઈ માંગુકીયા સરથાણા ખાતે સ્કાયવ્યુમાં ઓફિસ ધરાવી નારિયેળ એક્સપોર્ટ (Export) કરવાનો વેપાર કરતા હતા. એક વર્ષથી આ ધંધો બંધ કરી ઓનલાઈન કપડાનો વેપાર કરે છે. તેમના દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ મુળજીભાઈ સુતરીયા, મેહુલભાઈ ચંદુભાઈ સુતરીયા, વિમલભાઈ ચંદુભાઈ સુતરીયા (તમામ રહે. શાંતિ નિકેતન ફ્લોરા રેસિડેન્સી, મોટા વરાછા), મનિષભાઈ બાલુભાઈ રામાણી (રહે. પટેલ પાર્ક સોસાયટી, નિકોલ રોડ, અમદાવાદ) અને નેહલભાઈ સુતરિયાની સામે ફરિયાદ નોંધાવી છે.

રાજુભાઈને તેમના મામાના સાળા ચંદુભાઈ સુતરીયા વર્ષ 2020માં તેમને મળવા ગયા હતા. અને ત્યારે ચંદુભાઈ અને તેમના બંને પુત્રો મળીને નારીયેળ ખરીદીને વિદેશ મોકલતા હોવાનું કહ્યું હતું. અને આ ધંધો અમદાવાદની એક કંપની સાથે મળીને કરતા હોવાનું કહ્યું હતું.

તથા વિદેશ એક્સપોર્ટ કરતા સરકારી સબસીડીનો પણ લાભ મળશે તેમ કહીને ચંદુભાઈએ આ ધંધામાં સારો નફો મળવાનો વિશ્વાસ અપાવતા રાજુભાઈએ 24 ઓગસ્ટ 2020થી 28 જાન્યુઆરી 2021 સુધીમાં 59.58 લાખનો નારીયેળનો માલ દુબઈ ખાતે મોકલ્યો હતો.

આ રોકાણના નફા બાબતે બાદમાં પિતા-પુત્રોને ફોન કરતા તેમને વાયદાઓ કરીને સમય પસાર કર્યો હતો. બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ઘરે જઈને તપાસ કરતા તેઓ દુબઈ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેમને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top