વડોદરા: વડોદરા શહેર નજીક પોર જીઆઈડીસી ખાતે આવેલી નીર એક્સટુઝર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંચાલકોએ વર્ષ 2014માં વર્ષોથી કાયમી કામદારોને જાણ કર્યા વગર એકાએક કંપની બંધ કરી દીધી હતી અને મળવાપાત્ર રકમ વળતર ચૂકવ્યું ન હતું.કંપનીના સંચાલકોને અનેક વખત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ વળતર નહીં મળતા કામદારો મજદૂર કોર્ટમાં ગયા હતા.કોર્ટમાં કેસ પણ જીતી ગયા તેમ છતાં પણ કંપની સત્તાધીશો દ્વારા વળતર ચૂકવવામાં નહીં આવતા તમામ કામદારો સામાજિક કાર્યકરની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં ઉગ્ર સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.
વડોદરાના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે નીર એક્સટુઝર પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી જેમાં ઘણા વર્ષોથી વર્કરો કામ કરતા હતા અને વર્ષ 2014 ની અંદર આ કંપનીને બંધ કરી દેવામાં આવી હતી.હવે કયા કારણોસર બંધ કરવામાં આવી તે સમજાતું નથી.પરંતુ કહેવાય છે કે કંપની બંધ કરવામાં આવી હોય તો આ તમામ કામદારોને એમનું જે વેતન હોય છે એ તમામ ચૂકવવાનું હોય છે પણ કંપનીના માલિકો જાડી ચામડીના છે અને વર્કરોનું સાંભળવા તૈયાર નથી અને આ જ કંપનીના માલિકો દ્વારા મંજુસર જીઆઇડીસીમાં પણ એક કંપની નવી ખોલી છે અને પોતાનો જીવન ગુજારી રહ્યા છે પણ જે કંપનીના માલિકોને શૂન્યમાંથી સર્જન કરી આપ્યું તે વર્કરોનું આજે વિચારતા નથી અને આમની જે માંગણી છે એ મામલે અનેક વખત રજૂઆત કરી છે.લેખિત મૌખિક તમામ રજૂઆત કરી છે.પરંતુ કેટલાક અધિકારીઓ પણ ખોળામાં બેસી ગયા છે જેને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે અને જો આવનારા દિવસોમાં આ તમામ વર્કરોને વળતર નહીં મળે ન્યાય નહીં મળે તો 30 દિવસ બાદ આજ જગ્યા પર કલેકટર કચેરીમાં આમરણાંત ઉપવાસ ઉપર બેસીશું જેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેમની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.