SURAT

સુરતનાં મોટા વરાછાના ખેડૂતે અજાણી મહિલા સાથે મિત્રતા કરવાના ચક્કરમાં 3.45 કરોડ ગુમાવ્યા

સુરત: મોટા વરાછા ખાતે રહેતા ખેડૂતને (Farmer) અજાણી મહિલાએ ફોન (Call) કરી પોતે તેમને સારી રીતે ઓળખતી હોવાનું કહી તેની બનાસકાંઠાની મહિલા મિત્ર સાથે ઓળખ કરાવી હતી. બાદ આ અજાણી મહિલાએ ખેડૂત સાથે મીઠી મીઠી વાતો કરી વાતોમાં ભોળવી રાજસ્થાનમાં 100 કરોડની હવેલીનું રિનોવેશન, આબુમાં આવેલી હોટલનો વિવાદ દૂ૨ કરવા અને માતા-પિતા અને પોતાની સારવારના બહાને ૩.૪૫ કરોડ પડાવ્યા હતા. જમીન વેચીને આવેલા બધા પૈસા પૂરા થઈ ગયા બાદ ખેડૂતની આંખ ખૂલી અને તેણે પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા બ્રાહ્મણ ફળિયું ખાતે રહેતા 57 વર્ષીય ખેડૂત મુકેશભાઈ દિનેશભાઈ દેસાઈએ ગઈકાલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠાના વડગામના મેઘાળના ચેતના ઉર્ફે પૂજા ઉર્ફે મધુ વાઘજી વિહોળ ઉર્ફે જગદીશ દેસાઈ, વાઘજી ઉર્ફે જગદીશ દેસાઈ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ વાવાઝા વિહોળ, ભૂપતસિંહ વાઘજી, રાજેન્દ્રસિંહ દોલાજી, જ્યોતિબેન દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

એપ્રિલ-2013માં તેમના મોબાઈલમાં સોનિયા પટેલ નામની યુવતીનો મિસ્ડકોલ હતો. મુકેશભાઈએ સામે કોલ કરતાં સોનિયાએ તેના સહિત પરિવારના સભ્યોનો પરિચય આપી પોતે મુકેશભાઈને સારી રીતે ઓળખતી હોવાનું ચિત્ર ઊભું કર્યુ હતું. બાદ પોતાની ફ્રેન્ડ પૂજા દેસાઈ તેમના સમાજની હોવાનું કહ્યું હતું. આ પૂજાની પરિસ્થિતિ ખરાબ છે તેની આબુમાં રાધાક્રિષ્ણા નામે હોટલ આવેલી છે, જે તેના ભાગીદારે પચાવી પાડી છે. તેને પૈસાની જરૂર છે. તમે મદદ કરો કહી બે દિવસ બાદ પૂજા દેસાઈ સાથે વાત કરાવી હતી. અને બસ પછી તો અહીંથી ખેલ શરૂ થયો હતો.

પૂજા દેસાઈ સાથે ફ્રેન્ડશીપ કરી પ્રેમભરી મીઠી મીઠી વાતો કરતાં હતાં. પૂજાએ તેની ૧૭થી ૧૮ કરોડ રૂપિયાની આબુની રાધાક્રિષ્ના હોટલ મારા ભાગીદારે પડાવી લીધી છે. મારા દાદાની રાજસ્થાનના જોધપુ૨માં રૂપિયા ૧૦૦ કરોડની હવેલી આવેલી છે. અત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ છે એવી વાતો કહી તેના પિતા વાઘજી અને માતા જ્યોતિબેન તરીકે ઓળખ આપી તમે પૈસાની મદદ કરો તો હોટલ છોડાવી તમને પૈસા પરત આપી દઈશ કહી વિશ્વાસમાં લીધા હતા અને પછી ટુકડે ટુકડે ખેડૂત પાસેથી 3.55 કરોડ પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી.

આ સમય દરમિયાન ખેડૂત મુકેશભાઈ પાસે તેની અબ્રામા ગામની જમીન વેચાણના આવેલા આ તમામ રૂપિયા વપરાઈ ગયા હતા. જેથી તેમણે પૈસા આપવાની ના પાડતાં ફોન કરવાના ઓછા કરી દીધા હતા. મુકેશભાઈએ તેના મિત્ર મારફતે બનાસકાંઠાનો સંપર્ક કાઢી રૂ.10 લાખ પરત અપાવ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા 3.45 કરોડ નહીં આપતાં તેમની સાથે છેતરપિંડી થયાનું સમજી પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

ટોળકીએ આ રીતે ટુકડે ટુકડે પૈસા પડાવ્યા હતા
શરૂઆતમાં ટોળકીએ આંગડિયા મારફતે પાલનપુર ખાતે પ લાખ મંગાવ્યા હતા. આ રીતે ટુકડે ટુકડે કરી જૂન-૨૦૧૩થી ડિસેમ્બર-૨૦૧૩ સુધીમાં ટુકડે ટુકડે 1.05 કરોડ, જાન્યુઆરી-2014થી ડિસેમ્બર-2014 સુધીમાં 1.09 કરોડ અને વર્ષ-2015માં માતાની કિટનું ભાઈના હાથના ઓપરેશનના બહાને 70 લાખ અને વર્ષ-2016માં પિતાને હાર્ટના ઓપરેશનના બહાને 20.69 લાખ તથા વર્ષ-2017માં પૂજા પોતે બીમાર હોવાનું કહી 25 લાખ આ ટોળકીએ પડાવ્યા હતા. ટુકડે ટુકડે ખેડૂત પાસેથી 3.55 કરોડ પડાવી લીધા હતા.

પોલીસના નામે ફોન કરી ધમકી આપવામાં આવી હતી
ખેડૂત મુકેશ પટેલને આ ટોળકીએ ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી. નવેમ્બર-2020માં ખેડૂત ઉપર છાપી પોલીસમથકમાંથી ફોન આવ્યો હતો. ફોન કરનાર પોલીસ કર્મચારીએ ચેતના વાઘાજીએ તમારા, રાકેશ દેસાઈ અને ટીના સામે ફરિયાદ આપી હોવાનું કહ્યું હતું. તેના જવાબ આપવા બોલાવ્યો હતો. ત્યારબાદ ભૂપતે ફોન કરી સમાધાન કરવા કહ્યું હતું અને પીએસઆઈ વાઘેલાએ ફોન કરી તમારે જવાબ લખાવવા આવવું પડશે તેમ કહી ટોર્ચર કરી ધમકી આપી હતી.

ખેડૂતે અવાજ ઓળખી ગયા પછી પણ બીજા 35 હજાર આપ્યા
ખેડૂત મુકેશ પટેલે તેની જમીન વેચીને આવેલા ૩.૪૫ કરોડ ગુમાવ્યા બાદ ટોળકીને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. જેને કારણે ટોળકીએ ફરીથી નવું નાટક રચ્યું હતું. ટોળકીએ માર્ચ-2019માં જીનલ નામથી ફરીથી મિસ્ડકોલ કર્યો હતો. ફેન્ડશીપ કરવાનું કહી પૈસાની મદદ કરશો કહી એ જ નવી સ્ટોરી ઊભી કરી હતી. જો કે, જીનલનો અવાજ પૂજા દેસાઈ જેવો જ આવતો હોવાથી શંકા ગઈ હતી. અને વાત ચાલુ રાખી તેના કહેવા મુજબ ૩૫ હજાર આંગડિયું કરાવ્યું હતું.

ખેડૂતે પૈસા માંગ્યા તો પૈસા લઈને હાઈવે પર આવ્યા ત્યારે લૂંટી લીધાની કહાની ઉપજાવી
ખેડૂતને વિશ્વાસમાં લેવા માટે ટોળકીએ સતત અલગ અલગ કહાનીઓ બનાવી હતી. પહેલા 100 કરોડની હવેલીનો સોદો થયો અને પછી કેન્સલ થયો છે. પૂજાનાં લગ્ન નક્કી થઈ ગયાં છે. પૂજાને સાસરિયાઓએ 17 કરોડ આપ્યા છે. તમારા પૈસા વ્યાજ સાથે ચૂકવી આપીશું. ત્યારબાદ ફોન કરી પૈસા લઈને નીકળ્યા છે. હાઈવે ઉપર ફોન કરું ત્યારે આવી પૈસા લઈ જજો તેમ પણ કહ્યું હતું. જો કે, ફોન બંધ આવતાં મુકેશભાઈએ તેના પતિને ફોન કરતાં તેઓએ પણ પૈસા લેવાના છે. રાજસ્થાન થઈને સાથે તેમને શોધીશું કહી ગોળગોળ ફેરવ્યા હતા. બાદ પૂજાના સાસરિયાએ 4 કરોડ આપ્યા છે તે લઈને નીકળ્યા તો રાજસ્થાનના જોધપુર ખાતે લૂંટી લેવાયા છે. જેના કારણે પૂજાના છૂટાછેડા થઈ ગયા છે અને આ આઘાતમાં તેનાં માતા-પિતાએ આપઘાત કરી લીધો છે. હાલમાં પૂજા અને અંજની હોસ્પિટલમાં દાખલ છે તેવી કહાની બનાવી હતી.

Most Popular

To Top