સુરત: (Surat) ગાર્નેટ કોઇન (Garnet Coin) અને હેકસ્ટ્રા કોઇનમાં તપાસનો દાટ વાળનાર સુરત સીઆઇડી (CID) પોલીસની પોલ આવતા દિવસમાં ખુલ્લી થઇ જાય તેમ છે. સીબીઆઇ દ્વારા ગાર્નેટ કોઇન ઉપરાંત હેકસ્ટ્રા કોઇન અને એવા અન્ય પાંચ જેટલા અલગ કોઇન જેની સામે કોઇ ફરિયાદ થઇ નથી પરંતુ વીસ હજાર કરોડ કરતા વધારે છેતરપિંડીની (Fraud) આશંકા છે. આ તમામ લોકો સામે તપાસ કરવા માટે સીબીઆઇની ટીમ સુરતમાં આવી છે. તેમાં ગાર્નેટ કોઇનમાં ભારતમાં કેવી રીતે રાતોરાત કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું તે મામલે હાલમાં ચર્ચામાં છે.
સુરત સીઆઇડીની તપાસ સામે પહેલેથી જ આંગળી ચીંધાઇ છે, તેની સામે ફરિયાદો કરાઇ છે ત્યારે સીબીઆઇના ચક્રો ગાર્નેટ કોઇનમાં રિ-એકટિવ થયા છે. ભૂતકાળમાં બિટકનેકટમાં આ રીતે લોકલ પોલીસે કંઇ નહી કરતા સીબીઆઇ દ્વારા હજારો કરોડોનુ કૌભાંડ ખુલ્લું કરાયું હતું. નાના અને મધ્યમવર્ગીય પરિવારોના કરોડો રૂપિયા ખાઇ જનારા આ ઠગોના હજારો કરોડોનો હિસાબ આવતા દિવસોમાં ખુલ્લો થશે. તેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની કરતૂતો પણ સંભવત વિવાદમાં આવે તેમ છે. હાલમાં સીબીઆઇના ધામા સુરતમાં છે દરમિયાન અત્યારસુધી નાના લોકોના પરસેવાના નાણા ખાનારા આ ઠગોને ગમે ત્યારે જેલના સળિયા ગણવા પડે તેવા ચક્રો ગતિમાન થઇ ચૂકયા છે.
ભાવિક કોરાટે ભારતમાં બે હજાર કરો઼ડ શિફ્ટ કર્યા હોવાની ચર્ચા
ભાવિક કોરાટ દ્વારા ફાર્મિંગ એજન્સીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાયું છે. આ ઉપરાંત ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પ્રોપર્ટીઓ ખરીદી હોવાની વાત છે. એક હજાર કરોડ રૂપિયા આ ઠગે સીધા ભારતમાં ટ્રાન્સફર કર્યા છે. આ મામલો ગમે ત્યારે ઇડી અને આઇટીના રડાર પર આવે તેવા ચક્રો ગતિમાન થઇ ગયા છે. આ મામલે પહેલેથી જ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને દેશના ગૃહમંત્રાલયને ફરિયાદ કરવામાં આવી છે.
દિલ્હીના વેપારીઓએ સુરતના વેપારીને ચૂનો ચોપડ્યો
સુરત : રીંગરોડની આર.કે.ટી માર્કેટમાં વેપાર કરતા વેપારીને દિલ્હીના વેપારીઓએ રૂા. 28.86 લાખનો માલ લઇને પેમેન્ટ ચૂકવ્યું ન હતું. જે અંગે પોલીસમાં ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અલાથાણમાં ડિમાર્ટ પાસે રામેશ્વર ગ્રીનમાં રહેતા ૩૭ વર્ષીય હિતેશભાઇ છગનભાઇ મહેશ્વરી રીંગરોડ પર આવેલી રાધાકૃષ્ણ ટેક્ષટાઇલ માર્કેટમાં શ્રી રામ ટેક્ષટાઇલ નામે વેપાર કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત વેસુ વિસ્તારમાં આવેલી નંદનીમાં રહેતા અને દિલ્હીમાં ગાંધીનગર ટાગોર ગલીમાં કાપડ દલાલીનું કામ કરતા ઉમેશ મુકીમ મારફતે રીષભ જૈનની સાથે થઇ હતી. ઉમેશની સાથે હિતેશભાઇની મુલાકાત રાજુ વર્માની સાથે થઇ હતી. આ બંનેએ હિતેશભાઇની પાસેથી શરૂઆતમાં 11.36 લાખ અને ત્યારબાદ બીજો ૮.૫૪ લાખની કિંમતનો માલ ખરીદ્યો હતો. જો કે, બાદમાં પેમેન્ટ આપવામાં આવ્યું ન હતું. હિતેશભાઇએ રૂપિયાની ઉઘરાણી કરતા તેઓને મારી નાંખવાની ધમકી મળી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.