SURAT

સુરતના વેપારીએ મુંબઈમાં જમીન ખરીદવાના બહાને પડોશીના 35 કરોડ ખંખેરી લીધા

સુરત : વરાછા (Varachha)માં રહેતા એક વેપારી (fraud merchant)એ તેના પાડોશી વેપારીને મુંબઇ (Mumbai)માં 12 એકર જમીન ખરીદવા માટે રોકાણ કરવાનું કહીને 35 કરોડની ઠગાઇ કરી હતી. આ વેપારીએ 35 કરોડની સામે 61 કરોડ રૂપિયા ચૂકવી આપવા માટે જણાવ્યું હતું. પરંતુ સમય મર્યાદામાં પેમેન્ટ ચૂકવ્યું ન હતું. વારંવાર ઉઘરાણી કરવા છતાં પેમેન્ટ નહીં મળતા આખરે પોલીસમાં ફરિયાદ (FIR) કરાઇ હતી. પોલીસે દંપતિ સહિત ત્રણની સામે ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ લંબે હનુમાન રોડ ઉપર ત્રિકમનગરમાં રહેતા રમેશભાઇ લક્ષ્મણભાઇ સાકરીયાની મુલાકાત સને-2012માં પાડોશમાં જ રહેતા હસમુખભાઇ ઉર્ફે હરીશભાઇ રવજીભાઇ ભંડેરી, તેમની પત્ની ભાનુબેન અને પુત્ર રીતેશની સાથે થઇ હતી. તેઓની વચ્ચે પારિવારીક સંબંધો પણ હતા અને બંને એકબીજાના ઘરે આવ-જા કરતા હતા. 2012માં જ હસમુખભાઇએ રમેશભાઇને કહ્યું કે, મારા શેઠે મુંબઇના પવઇ વિસ્તારમાં 12 એકર જમીન ખરીદી રહ્યા છે. જમીનના માલિક જે ખેડૂતો છે. તેઓને થોડા રૂપિયા ચૂકવવાના છે અને તે માટે મને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કહ્યું છે. એક-બે વર્ષમાં આ રૂપિયા સોનાની લગડી થઇ જશે અને ડબલ રૂપિયા મળશે તેમ કહીને રૂા. 35 કરોડ માંગ્યા હતા. આ ઉપરાંત હસમુખભાઇએ કહ્યું કે, તમને 35 કરોડની સામે 14 મહિનામાં જ 61 કરોડ રૂપિયા રીટર્ન મળી જશે, અને મને પણ ડબલ ફાયદો થશે. હસમુખભાઇની વાતોમાં આવી જઇને રમેશભાઇએ અલગ અલગ સમયે 35 કરોડ રૂપિયા આપ્યા હતા. હસમુખભાઇ રમેશભાઇની પાસેથી બ્લેન્ક ચેકો લેતા હતા અને પોતાના અંગત ખાતામાં જમા કરાવી દેતા હતા. 14 મહિના બાદ રૂપિયા નહીં આવતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. રમેશભાઇએ આરોપી હસમુખભાઇ ભંડેરી, તેની પત્ની તેમજ પુત્રની સામે ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી હતી.

હસમુખભાઇએ પોતાના શેઠ બ્લુ સ્ટાર ડાયમંડ માલિક હોવાનું કહીને રૂપિયા પડાવ્યા હતા
હસમુખભાઇએ રમેશભાઇને જ્યારે મુંબઇના પવઇની 12 એકર જમીન ખરીદવાની વાત કરી ત્યારે રમેશભાઇએ તેના શેઠ વિશે પુછપરછ કરી હતી. આ દરમિયાન હસમુખભાઇએ કહ્યું કે, મારા શેઠ મહેતા સાહેબ છે અને તેઓ બ્લુ સ્ટાર ડાયમંડ કંપનીના માલિક છે, તેઓ જમીન ખરીદી રહ્યા છે અને હિસ્સો આપવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું હતું. આ બાબતે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હસમુખભાઇએ 61 કરોડના ચેકો આપ્યા હતા, પરંતુ તે રિટર્ન થયા હતા
14 મહિના બાદ હસમુખભાઇએ રૂપિયા નહીં આપતા ઉઘરાણી થઇ હતી. રમેશભાઇએ ઉઘરાણી કરતા હસમુખભાઇએ અલગ અલગ ચેકો આપ્યા હતા. આ ચેકો બેંકમાં જમા કરાવતા તે અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયા હતા. ત્યારબાદ પણ રમેશભાઇએ વારંવાર ઉઘરાણી કરી હતી. પરંતુ અનેક કારણો બતાવીને હસમુખભાઇ સમય પસાર કરતા હતા અને પેમેન્ટ આપ્યુ ન હતું.

હસમુખભાઇ મોટા વેપારી હોવાનું સર્ટિફિકેટ મુંબઇના ત્રણ વેપારીઓએ આપ્યું હતું

રમેશભાઇ જ્યારે વધુ ઉઘરાણી કરવા લાગ્યા ત્યારે હસમુખભાઇએ તેઓની મુલાકાત મુંબઇના અમિત બીપીનભાઇ શાહ, નીરવ મર્ચન્ટ અને કંચન પેન્ડેકર નામના ત્રણ વેપારીઓ સાથે કરાવી હતી. આ ત્રણેય વ્યક્તિઓએ રમેશભાઇને કહ્યું કે, હસમુખબાઇ ઘણા લાંબા સમયથી મુંબઇમાં જમીન લે-વેચનું કામ કરે છે, તે બહુ મોટા વેપારી છે અને તમારા રૂપિયા આપી દેશે. આખરે ત્રણેયએ રૂા. 100ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું કે, જો હસમુખભાઇ રૂપિયા નહીં ચૂકવે તો તેઓ પોતાની મુંબઇના જોગેશ્વરી નગરમાં આવેલી 200 કરોડની પ્રોપર્ટી વેચીને રમેશભાઇના રૂપિયા આપી દેશે.

Most Popular

To Top