દાહોદ: દાહોદ જિલ્લાના નાનકડા ગામ એવા ગરબાડામાં એક ભેજાબાજ ઈસમો પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી અને ગરબાડામાં રહેતાં પાચ જેટલા બેરોજગાર યુવકોને નોકરી રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ સમયગાળા દરમ્યાન આ પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી આ ભેજાબાજ ક્યાંક ફરાર થઈ ગયો હતો અને છેતરપીંડી, વિશ્વાસ ઘાત કરતાં આ સંબંધે છેતરપીંડીનો ભોગ બનેલ એક યુવકે આ સંબંધે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે આ ફરિયાદના ગણતરીના કલાકોમાં બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કરતાં આજરોજ એલ.સી.બી. પોલીસે આ ભેજાબાજ આરોપીને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે તેના ઘરમાં તલાસી લેતાં અનેક વસ્તુઓ મળી આવી ત્યારે આ ગરબાડાના યુવકો સાથે સાથે અન્ય કેટલાં બેરોજગાર યુવકોને આ ભેજાબાજે પોતાની જાળમાં ફસાવ્યાં હશે? તેની પુછપરછ પણ પોલીસ હાથ ધરી રહી છે.
ગરબાડા નગરમાં માળ મોહનીયા ફળિયામાં રહેતો અરવિંદભાઈ મનુભાઈ સંગાડાએ પોતે રેલ્વેમાં આર.પી.એફ.માં એસ.આઈ. તરીકે નોકરી કરૂં છું તેવી ખોટી ઓળખ ઉભી કરી ગરબાડા નગરમાં રહેતાં દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ, સલમાન યુસુબ શેક, ગણેશભાઈ કાળુભાઈ ચાવડા, સોહીલભાઈ યુસુબભાઈ શેખ, એજાજ શોએબ શેખ આ યુવકોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી તારીખ ૧૪.૦૧.૨૦૨૦ થી તારીખ ૦૨.૦૫.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન અલગ અલગ બહાને ઉપરોક્ત યુવક પાસેથી આ અરવિંદભાઈ સંગાડાએ કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ ખેરવી લીધા હતાં. લાંબો સમય વિતી ગયાં બાદ પણ નોકરીનું કોઈ ઠેકાણું ન પડતાં ઉપરોક્ત યુવકો દ્વારા આ અરવિંદભાઈને ફોન પર ફોન પણ કરતાં હતાં અને અરવિંદભાઈનો મોબાઈલ સ્વીચ ઓફ અથવા તો તેઓ ઉપાડતાં ન હતાં. એક દિવસ આ ભેજાબાજ અરવિંદ દ્વારા ઉપરોક્ત યુવકોને બનાવટી આઈ કાર્ડ અને ખોટા નોકરીના ઓર્ડરો આપી દીધાં હતાં. આખરે નોકરી ન મળતાં અને પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં અને આ અરવિંદ કોઈ રેલ્વેના આર.પી.એફ.માં નોકરી ન કરતો હોવાનું સામે આવતાં યુવકોના હોશ ઉંડી ગયાં હતાં.