વડોદરા: શહેરના વેપારી સાથે ભેજાબાજોએ સ્ક્રેપના સામાનનો સોદો કર્યા બાદ વેપારી પાસેથી રૂપિયા 19.35 લાખ રૂપિયા તબક્કાવાર પડાવી લઇને સ્ક્રેપનો સામાન મોકલાવ્યો ન હતો. ગોત્રી-લક્ષ્મીપુરા રોડ પર આવેલા ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઇ પટેલ સુભાનપુરા વિસ્તારમાં એન્જિમ એક્સપોર્ટના નામે સ્ક્રેપનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરે છે. વર્ષ નવેમ્બર-2020માં યુરોપના સુલેમાન માર્ટિન નામના શખ્સે વોટ્સએપ પર મેસેજ મોકલી કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્ક્રેપનો ભાવ મંગાવ્યો હતો. દરમિયાન 26 નવેમ્બર 2020ના રોજ મેઇલ મારફતે ભેજાબાજોએ સંપર્ક કરી ઇન્સ્યોરન્સ પેટે રૂા.10,000 મંગાવ્યા હતા. જેથી રાજેશભાઈએ 300 કિલોનો ઓર્ડર આપતા લોજીસ્ટીક કંપની એક ટનથી ઓછો માલ આપતી નથી. તેમ કહેતા તેઓએ એક ટન કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્ક્રેપનો ઓર્ડર આપ્યો હતો.
ઓર્ડર આપ્યાબાદ ભેજાબાજોએ રાજેશભાઈ પાસેથી 50 ટકા પેમેન્ટ એડવાન્સ મેળવ્યા હતા. ત્યારબાદ મટીરીયલ મિસપ્લેસ થઈ ગયું છે અને કોર્ટમાંથી સેટલમેન્ટ કરવું પડશે, તેમ જણાવી ન્યૂ ઇન્ડિયા બેંક, પંજાબ નેશનલ બેંક અને એક્સિસ બેંકના ખાતામાં તબક્કાવાર 19.35 લાખ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
આમ ભેજાબાજોએ રાજેશભાઈ પાસેથી પૈસા પડાવી લીધા બાદ પણ લાંબા સમય સુધી સ્ક્રેપ તેમજ રૂપિયા પરત મોકલ્યા ન હતા અને તેમની પાસેથી 19.35 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા રાજેશભાઇએ શહેર સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભેજાબાજો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.