SURAT

2.59 કરોડના જિંગાના માલના રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી

જિંગા ઉછેર માટેનો 4.74 કરોડનો માલ ખરીદી 2.59 કરોડ રૂપિયા નહીં ચૂકવતાં એક્વાકલ્ચરનો વેપાર કરતા વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પાર્લે પોઈન્ટ ખાતે મહાકૃપા અંબિકાનિકેતન ખાન સાહેબની વાડી પાસે રહેતા 38 વર્ષીય ભદ્રેશભાઈ કાંતિભાઈ પટેલ બુડિયા ચાર રસ્તા પાસે રૂદ્રાક્ષ રેસિડેન્સીમાં બી.કે.પી. એક્વાકલ્ચર પ્રા.લિ. કંપની ચલાવે છે. તેમની કંપની જિંગા ઉછેરનો તમામ સામાન લે-વેચ કરે છે.

ગત જાન્યુઆરી-2020માં તેઓ જે કંપનીનું ફૂડ ખરીદે છે તે કંપની ફેડોરાના મેનેજર જિસાન અહમદ (રહે.,મગદલ્લા) તેમની ઓફિસ ઉપર ગયા હતા. તેમની સાથે અનિલકુમાર નવનીતભાઈ ભગવાકર (રહે.,ખડકીવાડ, મોર ભગવા, ઓલપાડ) અને અજિતકુમાર મિશ્રા ઉર્ફે ધીરુભાઈ હૌસલાપ્રસાદ મિશ્રા (રહે.,ગણેશનગર, પોલીસ કોલોની પાસે, બમરોલી) પણ ગયા હતા. અનિલકુમારની પત્ની નીતાબેન રિદ્ધિ સિદ્ધિ એક્વા ફાર્મની પ્રમોટર હોવાનું અને અજિતકુમાર તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. તેમને ઓલપાડમાં સરકારી જગ્યા એલોટ થઈ હોવાનું કહ્યું હતું.

જિસાન અહમદે જિંગા ફૂડ અને અન્ય મટિરિયલ આપવા જણાવ્યું હતું. તેમને સમયસર માલના રૂપિયા આપવા માટે વિશ્વાસ અપાવ્યો હતો. કંપનીના રૂલ્સ મુજબ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ અંગે લખાણ કરાયું હતું. અને નીતાબેનના ત્રણ કોરા ચેક પણ સહીઓ કરેલા આપ્યા હતા. 30 મે-2020ના રોજ જિંગાનાં બચ્ચાં, ખોરાક, દવાઓનો માલ ખરીદી કર્યો હતો. તેમણે કુલ 4.74 કરોડનો માલ ખરીદી કર્યો હતો. જેમાંથી 2.14 કરોડ ચૂકવી આપ્યા હતા. જ્યારે 2.59 કરોડ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top