Vadodara

અબુધાબીમાં નોકરી અપાવવાના નામે Rs. 14.34 લાખની છેતરપિંડી

વડોદરા: વડોદરાની મહિલાને અબુધાબી ખાતે શિક્ષકની નોકરી આપવાનું જણાવી રૂપિયા 14.34 લાખ ઓનલાઇન છેતરપિંડી કરતા ભેજાબાજ ટોળકી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે.

ભેજાબાજોએ નોકરી વાંચ્છુ બેરોજગારોને ફસાવવા માટે અખબારોમાં જાહેરાત આપી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે અલગ-અલગ બેંક ખાતાધારક ઇ-મેલ આઇડીધારક સહિત 13 શખસો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભેજાબાજોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા શ્રીનિવાસ ઐયર અલકાપુરી સ્થિત એલ.આઈ.સી. ઓફીસ ખાતે વહીવટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. પરંતુ, તેઓ શિક્ષકની નોકરી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. દરમિયાન 2019માં ન્યુઝ પેપરમાં માશરેક ઇન્ટરનેશનલ સ્કૂલ અબુધાબી ખાતે શિક્ષકની જરૂરિયાત છે તેવી જાહેરાત તેઓએ વાંચી હતી.

જાહેરાત વાંચ્યા બાદ શિક્ષકની નોકરી વાંચ્છુક શ્રીનિવાસ ઐયરની પત્નીએ જાહેરાતમાં આપેલા ફોન નંબરો ઉપર ઓનલાઈન સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ ભેજાબાજોએ મેડિકલ ફિટનેસ, વિઝા અને રિક્વાયરમેન્ટ જેવા અલગ-અલગ બહાના દર્શાવી ટુકડે ટુકડે 14,34,735 રૂપિયા ઓનલાઇન પડાવી લીધા હતા. માતબર રકમ પડાવ્યા બાદ ભેજાબાજોએ શિક્ષકની નોકરી પણ ન આપતા અને મેળવેલા રૂપિયા 14.34 લાખ પણ પરત ન આપતા મહિલાના પતિ શ્રીનિવાસ ઐયરે સાઇબર ક્રાઇમમાં ભેજાબાજ ટોળકીના 13 સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી.

સાઇબર ક્રાઇમે શ્રીનિવાસ ઐયરની ફરિયાદના આધારે ભેજાબાજ ટોળકીના 13 સાગરીતો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.  અત્રે ઉલ્લખનીય છે કે, છેતરપિંડીને અંજામ આપતા ભેજબાજો અવનવી તરકીબો અજમાવતા રહ્યા છે. ત્યારે આ કિસ્સામાં ભોજાબાજોએ મેઈલનો ઉપયોગ કરી છેતરપિંડી કરી છે.

Most Popular

To Top