નડિયાદ: નડિયાદ પંથકમાં આવેલી એક ખાનગી કંપનીની જુદી-જુદી શાખાઓમાં ચાલતી ડેટાએન્ટ્રીની સ્કીમમાં ભરેલાં રૂપિયા છેલ્લાં પાંચેક મહિનાથી અટવાયાં હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ કંપનીની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. નડિયાદમાં સંતરામ રોડ પર આવેલ વર્ગો કોમ્પ્લેક્ષમાં તેમજ કોલેજ રોડ ઉપર માસ્ટર ડિજીટલ પ્રા.લિમીટેડ કંપનીની શાખા આવેલી છે. આ શાખા મારફતે કંપની તરફથી ચાલતી વિવિધ સ્કીમો હેઠળ ગ્રાહકોને જોડવામાં આવે છે. જે અંતર્ગત ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની સ્કીમમાં નડિયાદ સહિત આસપાસના ગામોના અનેક લોકો રૂપિયા ભરીને જોડાયાં હતાં. ઈન્વેસ્ટમેન્ટની સાથે-સાથે સાઈડ ઈન્કમ ઉભી થતી હોવાથી વધુને વધુ લોકોને આ સ્કીમમાં રસ પડતો હતો. ૧૧ મહિનાના કરાર પર સ્કીમમાં જોડ્યાં બાદ ગ્રાહકોને એક આઈ.ડી અને પાસવર્ડ આપવામાં આવતો હતો.
આ આઈ.ડી અને પાસવર્ડ વડે માસ્ટર ડિજીટલ પ્રા.લિમીટેડ ની મોબાઈલ એપ્લિકેશનમાં લોગઈન થઈ ડેટાએન્ટ્રીનું કામ કરી શકાતું હતું. આ કંપની સાથે જોડાયેલાં ગ્રાહકો સાઈડ ઈન્કમ મેળવવા માટે પોતાના નોકરી-ધંધામાંથી સમય કાઢી ડેટા એન્ટ્રીનું કામ કરતાં હતાં. ડેટા એન્ટ્રીનું આ કામ સાવ સરળ હોવાથી ગ્રાહકો દર મહિને પોતાના વોલેટમાં મસમોટી રકમ મેળવતાં હતાં અને તેમાંથી પોતાના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતાં હતાં.
જોકે, છેલ્લાં પાંચેક મહિનાથી વોલેટમાં જમા થયેલાં રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર થતાં ન હોવાથી ગ્રાહકો મુંઝવણમાં મુકાયાં હતાં. તેઓએ આ મામલે કંપનીમાં જાણ કરી હતી. ત્યારે કંપનીએ રૂપિયા આપવાના વાયદાઓ કર્યા હતાં. જે બાદ રૂપિયાના બદલામાં શેર આપવાનું જણાવ્યું હતું. તેમજ જે ગ્રાહકને શેર ન જોઈતાં હોય તેઓને રૂપિયા પરત ચુકવી દેવાની બાંહેધરી આપી હતી. તેમછતાં આજદિન સુધી શેર અથવા તો રૂપિયા પરત ન મળ્યાં ન હોવાથી ગ્રાહકો રોષે ભરાયાં હતાં. રોષે ભરાયેલાં ગ્રાહકોએ શુક્રવારના રોજ નડિયાદ તેમજ ડભાણમાં આવેલ કંપનીની વિવિધ શાખાઓમાં જઈ હોબાળો મચાવ્યો હતો.
કંપનીએ છેલ્લાં પાંચ મહિનાથી રૂપિયા ચુકવવાનું બંધ કરી દેતાં ગ્રાહકો રોષે ભરાયાં
માસ્ટર ડિજીટલ પ્રા.લિમીટેડ કંપનીની સ્કીમમાં જોડાયેલાં ગ્રાહકોને ડેટા એન્ટ્રીના કરેલ કામના બદલામાં નિયત કરેલી રકમ ચુકવવામાં આવતી હતી. કંપનીએ શરૂઆતના આઠેક મહિના સુધી ગ્રાહકોને નિયમીતપણે રકમ ચુકવી હતી. જોકે, છેલ્લાં પાંચેક મહિનાથી કંપનીએ રૂપિયા ચુકવવાનું બંધ કરી દેતાં ગ્રાહકોના રૂપિયા અટવાઈ ગયાં છે. જેને પગલે રોષે ભરાયેલાં ગ્રાહકોએ શુક્રવારના રોજ કંપનીની વિવિધ શાખામાં જઈ હંગામો મચાવી અટવાયેલાં રૂપિયાની તાત્કાલિક ચુકવણી કરવા માંગ કરી હતી.
જો કંપની ઉઠી જશે તો નવા જોડાયેલા ગ્રાહકોને મોટો ફટકો પડશે
કંપનીની સ્કીમમાં થોડા મહિનાઓ અગાઉ જોડાયેલાં કેટલાક ગ્રાહકોએ ડેટાએન્ટ્રીનું કામ કરી કંપનીમાં જમા કરાવેલી મુડી જેટલી અથવા તો વધારે રકમ કમાઈ લીધી છે. જો કંપની ઉઠી જાય તો આવા ગ્રાહકોને ખાસ કંઈ ફેર પડવાનો નથી. પરંતુ જે ગ્રાહકો છેલ્લાં ચાર-પાંચ મહિના પહેલાં જ રૂપિયા ભરીને જોડાયાં છે તેવા ગ્રાહકોને એકપણ રૂપિયો પરત મળ્યો નથી. ત્યારે જો કંપની ઉઠી જશે તો આવા નવા ગ્રાહકોને મોટો ફટકો પડી શકે છે.
ગ્રાહકો ૨૦ હજારથી લઈ ૯૦ હજાર રૂપિયા ભરી સ્કીમમાં જોડાયાં હતાં
માસ્ટર ડિજીટલ પ્રા.લિમીટેડની સ્કીમમાં જે ગ્રાહક ૨૦,૦૦૦ રૂપિયા ભરી સ્કીમમાં જોડાયો હોય તેને ડેટા એન્ટ્રીના કામના બદલામાં રોજના ૨૦૦ રૂપિયા મળતા હતાં. તેવી જ રીતે ૨૫,૦૦૦ ની સ્કીમમાં જોડાયેલા ગ્રાહકોને રોજના ૩૦૦ રૂપિયા મળતાં હતાં. જ્યારે ૯૦,૦૦૦ ની સ્કીમમાં જોડાયેલાં ગ્રાહકોને રોજના ૧૦૦૦ રૂપિયા મળતાં હતાં. જેને પગલે આ સ્કીમમાં અનેક લોકો જોડાયાં હતાં.