ઝઘડિયા: ઝઘડિયા જીઆઈડીસી ( GIDC) માંથી એક કંપનીએ હરિયાણામાં અંકલેશ્વર મારફત વડોદરા ટ્રાન્સપોર્ટરને ( TRANSFORMER) મટિરિયલ્સ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. સમયસર હરિયાણા મટિરિયલ્સ ન પહોંચતાં બંને ટ્રક વડોદરા ટ્રાન્સપોર્ટરે રોકી રાખતાં અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટરે રૂ.3,66,481ની છેતરપિંડી ( FRAUD) ની ફરિયાદ ઝઘડિયામાં નોંધાવી હતી.
ઝઘડિયા જીઆઈડીસીમાં અસાહી મોદી મટીરીયલ્સમાંથી તૈયાર થયેલ રેઝિન કોટેડ સેન્ડ ભરી હરિયાણાના ગુડગાંવ સ્થિત મારુતિ સુઝુકી તથા બિનોલની અલિકન કાસ્ટએલોય કંપની ખાતે પહોંચાડવાનું કામ અંકલેશ્વરના અશ્વિની હરચરણદાસ ગોયલને ઓર્ડર આપ્યો હતો. આ કામ માટે અશ્વિની ગોયલે વડોદરાની સુપર કાર્ગો કેરિયરના માલિક ભીમસિંહ યાદવને સોંપ્યું હતું. અને તેના માટે બે ટ્રકો HR-47-D-5739 તથા HR-55-AD-5732 પણ બુક કરાવી ટ્રકોના ડ્રાઈવરને દસ-દસ હજાર રોકડા તથા જરૂરી ડોક્યુમેન્ટ આપી ઝઘડિયાની અસાહી મોદીમાંથી રૂ. 2,92,481ની કિંમતનું રેઝીન કોટેડ સેન્ડ મટિરિયલ્સ પણ ભરાવી રવાના કર્યા હતા. માલ મોકલવાની પૂરેપૂરી રકમ રૂા.53,600 અશ્વિનિ ગોયેલે વડોદરાની સુપર કાર્ગોના માલિક ભીમસિંહ યાદવના બેંક એકાઉન્ટમાં પહોંચાડી દીધા હતા.
બંને ડ્રાઈવરોએ અશ્વિની સાથે સંપર્ક રાખ્યો હતો અને તા.૧૬ સુધી માલ પહોંચી જશે તેવી હૈયાધારણા પણ આપી હતી. જો કે, હરિયાણા ખાતે બંને કંપનીઓમાં માલ સમયસર ન પહોંચતાં અશ્વિની ગોયલે તેની તપાસ કરવા માટે ભીમસિંહ યાદવને ફોન પર પૂછતાં તેમણે ફોન પર સંભળાવી દીધું હતું કે તમારા ખાતે રૂા.1,53,905 જેટલી રકમ બાકી પડે છે. જેથી તમારો માલ ભરેલ ગાડીઓ રોકી રાખી છે. આ રકમ ચૂકતે કરો અને તમારું મટિરિયલ લઈ જાવ. બંને ટ્રક ડ્રાઈવરોના પણ સંપર્ક કરતાં બંનેના મોબાઈલ બંધ જણાયા હતા. માલ સમયસર ન પહોંચવાથી ટ્રક દીઠ રોજના રૂ.5000 પેનલ્ટી લાગે છે. સમગ્ર બનાવ બાબતે ભીમસીંહ યાદવ તેમજ બંને ટ્રક સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.