Dakshin Gujarat

9 વર્ષ પહેલાં બંધ થયેલા મોબાઈલ નંબરથી સુરતના ઠગે ધરમપુરના વૃદ્ધના બેન્ક ખાતામાંથી લાખો ઉપાડી લીધા

વલસાડ : સાઇબર ઠગો લોકો સાથે ઠગાઇ કરવા માટે નીત નવા રસ્તા શોધતા રહેતા હોય છે. ધરમપુર (Dharampur) નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી (Bank account) તેણે 9 વર્ષ અગાઉ બંધ કરેલા મોબાઇલ નંબર થકી એક ઠગ (Fraud) ટોળકીએ તેના એકાઉન્ટમાંથી રૂ. 5.30 લાખની રકમ ઉપાડી લીધી હતી. આ ગુનો વલસાડ સાઇબર ક્રાઇમની (Cyber crime) ટીમે શોધી કાઢ્યો હતો. ધરમપુર નગરપાલિકાના નિવૃત્ત અધિકારી અને વલસાડમાં રહેતા 72 વર્ષના વૃદ્ધના વલસાડ બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ. 5,30,033 જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લેવાયા હતા.

  • ધરમપુરના નિવૃત્ત કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી બંધ કરેલા મોબાઇલ નંબરથી ટોળકીએ 5.30 લાખ ઉપાડી લીધા હતા
  • વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ગુનો શોધી સુરત, ભાવનગર, અમરેલીના 6 આરોપીને ઝડપી લીધા
  • લોકો સાથે ઠગાઇ કરવા માટે નીત નવા રસ્તા શોધતા સાઇબર ઠગ

જેના પગલે તેમણે વલસાડ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં વલસાડ સાઇબર ક્રાઇમના મહિલા પીઆઇ પી. ડી. જાનીએ તપાસ હાથ ધરી હતી. જેમાં આખુ ષડયંત્ર રચવામાં ભાવનગર, બોટાદ અને સુરતના આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતુ. ત્યારે વલસાડ પોલીસે એસઓજી પીઆઇ વી. બી. બારડની આગેવાનીમાં જુદી જુદી ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ મોકલી તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

પકડાયેલા આરોપીઓ
રાહુલ ઇશ્વર ચૌહાણ (ઉવ.24 રહે. રવિ એપાર્ટમેન્ટ, કતારગામ, સુરત) 2. આરતીશ ભરત ચૌહાણ (રહે. રવિ એપાર્ટમેન્ટ કતારગામ સુરત) 3. તનય અજય બેરા (રહે. સ્વામિનારાયણ ભવન પાસે, નાગોરીવાડ, સુરત) 4. નૈમિશ ગીરીશ રંગપરા (રહે. ભરતનગર માંડવઘર, ભાવનગર) 5. ભાવેશ રમેશ ચાવડા (રહે. બાબરા બસ સ્ટેશન પાછળ, અમરેલી) 6. કેતન અશોક મકવાણા (ઉ.વ.21 ધંધો આરટીઓ એજન્ટ, રહે. ચિત્રા સુખસાગર સોસાયટી, ભાવનગર)

9 વર્ષ અગાઉ બંધ કરેલા મોબાઇલ નંબરથી ઠગાઇ : એસપી
એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, સિનિયર સિટીઝન અને નિવૃત્ત કર્મચારીએ 9 વર્ષ અગાઉ એક મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. આ મોબાઇલ નંબર તેમના બેંક ઓફ બરોડાના ખાતા સાથે કનેક્ટેડ હતો. આ મોબાઇલ સુરતના રત્ન કલાકાર રાહુલ ઇશ્વર ચૌહાણને મળ્યો હતો. તેના મોબાઇલ પર બેંકના મેસેજ આવતા હતા. જેના પગલે તેણે બેંકમાં જઇ એકાઉન્ટની માહિતી મેળવી બેંક ઓફ બરોડાની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના થકી એકાઉન્ટમાંથી નાણાં પોતાના મિત્રના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પછી એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા હતા. આખા કૌભાંડમાં રાહુલના પિતરાઇ આરતીશે તેના મામા ગિરીશ અને બેંક કર્મચારી કનુભાઇનો અને મેનેજરનો સંપર્ક કર્યો હતો. રાહુલના બીજા ભાઇ નૈમિષના ખાતામાં દોઠ લાખ ટ્રાન્સફર કરાયા હતા. અન્ય આરોપી ભાવેશના ખાતામાં પણ રૂ. 1.69 લાખ ટ્રાન્સફર કરાયા હતા અને કેતન નામના અન્ય આરોપીના ખાતામાં પણ રૂ. 1.19 લાખ ટ્રાન્સફર કરાયા હતા. આ કેસમાં ગિરીશભાઇ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોબાઇલ નંબર બદલતાની સાથે બેંક એકાઉન્ટ સાથેનું જોડાણ રદ કરાવો
વલસાડમાં બનેલી આ ઘટના લોકો માટે આંખ ઉઘાડનારી છે. જ્યારે પણ કોઇ મોબાઇલ નંબર બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોય અને એ મોબાઇલ નંબર આપણે બદલીએ ત્યારે તેનું બેંક એકાઉન્ટ સાથેનું જોડાણ પણ રદ કરાવવું જરૂરી બનતું હોય છે. જો આવું ન કરીએ તો મોટી એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાનો ડર રહેતો હોય છે.

Most Popular

To Top