નવી દિલ્હી : કતાર ફિફા વર્લ્ડકપ 2022માં (FIFA WorldCup-2022) આર્જેન્ટીનાની ટીમ ફ્રાન્સને (France) હરાવીને ચેમ્પિયન બની તેની સાથે જ સોશિયલ મીડિયા પર 7 વર્ષ પહેલા થયેલું એક ટ્વિટ વાયરલ બન્યું હતું. એક ચાહકે 2015માં ચોક્કસ તારીખ સાથે ટ્વિટ કર્યું હતું કે મેસીનું સપનું 18 ડિસેમ્બર, 2022ના રોજ પૂરું થશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેસ્સીની ટીમ ટાઈટલ જીતશે અને તે ઓલ ટાઈમ ગ્રેટ બની જશે.
જોસ મિગુએલ પોલાન્કો નામના યુઝરે 21 માર્ચ, 2015ના રોજ ટ્વિટ કર્યું હતું કે 18 ડિસેમ્બર, 2022ના રોજ, 34 વર્ષનો (35 વર્ષનો) લિયોનેલ મેસી વિશ્વ કપ જીતશે અને સર્વકાલીન મહાન બનશે. 7 વર્ષ પછી મારી ટ્વીટ તમે તપાસી લેજો. હવે જ્યારે મેસીની ટીમ વર્લ્ડકપ જીતી ચૂકી છે ત્યારે આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ પહેલા પણ આવું ટ્વીટ વાયરલ થઈ ચૂક્યું છે. તેના ટ્વીટને એક લાખથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે, જ્યારે 3 લાખથી વધુ લાઈક્સ અને 10,000 થી વધુ રિપ્લાઇ મળ્યા છે.
ફિફા વર્લ્ડકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ગોલ્ડન બોલ એવોર્ડ બે વાર જીતનારો મેસી એકમાત્ર ખેલાડી
દોહા : કતાર ફિફા વર્લ્ડકપ 2022માં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને 36 વર્ષે ચેમ્પિયન બન્યું ત્યારે આ વર્લ્ડકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસીને ગોલ્ડન બોલ એવોર્ડ અપાયો હતો. આ સાથે જ મેસી ગોલ્ડન બોલ એવોર્ડ બે વાર જીતનારો ફૂટબોલ વિશ્વનો પહેલો ખેલાડી બન્યો હતો. આ પહેલા તેણે 2014માં જર્મની સામે ફાઇનલમાં હાર્યા છતાં આ ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો હતો.
મેસી એવો એકમાત્ર ખેલાડી રહ્યો છે જેણે લીગ સ્ટેજથી રાઉન્ડ ઓફ 16, ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલમા ગોલ કર્યા હોય. જ્યારે વર્લ્ડકપના નોકઆઉટ સ્ટેજમાં ગોલ આસિસ્ટ કરવા મામલે તે પેલેની બરોબરીએ પહોંચ્યો છે. બંનેના નામે વર્લ્ડકપ નોકઆઉટ મેચમાં 6-6 ગોલ આસિસ્ટ કરવાનો રેકોર્ડ છે. ફ્રાન્સ સામે ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં સર્વાધિક મિનીટ રમવાનો રેકોર્ડ પણ મેસીએ પોતાના નામે કર્યો છે. તેણે ફ્રાન્સ સામે કુલ 2314 મિનીટ રમીને પાઉલો માલદીનીના 2217 મિનીટના રેકોર્ડને તોડ્યો હતો.