રેડિયો પર અનેક મનોરંજક કાર્યક્રમો રજૂ થતા રહે છે. હિન્દી ફિલ્મોનાં નવાં જૂનાં ગીતો મનોરંજન પૂરું પાડે છે. એ જ રીતે અન્ય કાર્યક્રમોનું પણ પ્રસારણ થતું રહે છે. આવકના સાધન તરીકે વ્યાવસાયિક જાહેરખબરો જરૂરી લાગે, પણ હવે તો વધુ પડતો સરકારી વિક્ષેપ થતાં તેટલા અંશે કાર્યક્રમ બાધિત થાય છે. પ્રચારાત્મક સરકારી સંદેશાઓમાં પ્રમાણભાન જરૂરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી એવો વિભાગો તરફથી જાહેરખબરો મૂકાય છે પણ એકની એક જાહેરખબર મર્યાદિત સમયના કાર્યક્રમમાં અનેક વાર પ્રસારિત થાય ત્યારે કંટાળાજનક રીતે વિક્ષેપ ઊભો થાય છે અને સુમધુર રસભર્યાં મનોરંજન ગીતોની મઝા ખંડિત થઇ જાય છે.
અડધા કલાકના કાર્યક્રમમાં એકની એક જાહેરખબર પાંચ છ વાર મૂકી દેવાતાં ચીઢ ચઢે છે. સરકારી જાહેરખબરો પણ તમામ વર્ગનાં શ્રોતાઓને ધ્યાનમાં રાખીને મૂકવાને બદલે જાણે તાલીમવર્ગના પાઠની જેમ પુનરાવર્તિત થતી રહે છે. અખબારોમાં આવી જાહેરખબરો છપાવી શકાય પણ તેને બદલે આક્રમણખોર થઇને સુંદર મનોરંજક કાર્યક્રમ પર હુમલો થતો રહે છે અને પરિણામે ખંડિત મનોરંજન શ્રોતાઓને ભાગે આવે છે. રસપ્રદ સીરિયલોમાં રસભંગ થતો રહે છે, સીરિયલની લંબાઇ વધે છે અને તેથી અપૂર્ણ રહે છે. આવી જ હકીકત ટી.વી. કાર્યક્રમોના સંદર્ભમાંય રહે છે. માનસિક તાઝગી અને મનોરંજન માટેનાં આ સાધનો જનસાધારણ માટે સુલભ રહેવાં જોઇએ. દૂર થવું જોઇએ વિક્ષેપનું દુર્ભાગ્ય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.