Charchapatra

ફોક્ષકોન-વેદાન્તા આખરે છૂટા પડ્યા

ફોક્ષકોન-વેદાન્તાનુ જોઇન્ટ વેન્ચર કે જેમણે ગત વર્ષે સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની ભારતમાં કાર્યરત કરવાની જાહેરાત કરેલ એ સંયુક્ત સાહસમાંથી ફોક્ષકોને છૂટા થવાનો નિર્ણય લીઘો છે. ફેબ્રુઆરી,૨૦૨૨ માં તાઇવાનની ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ મલ્ટીનેશનલ કંપની ફોક્ષકોને વેદાન્તા કે જે મૂળભૂત મેટલ અને માઇનીંગ કંપની છે એ કંપની સાથેની ભાગીદારીમાં સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરીંગ યુનિટ મહારાષ્ટ્રમાં નાંખવાનુ નક્કી કરેલ એ સંદર્ભે જુલાઇ, ૨૦૨૨ના છેલ્લા અઠવાડિયામાં ફોક્ષકોનનું ડેલીગેશન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શીંદે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડનવીસને મળ્યા બાદ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશને પ્રેસનોટ પણ આપેલ કે ફોક્ષકોન પુનામાં બાવીસ બિલિયનનું રોકાણ કરશે જે બે લાખ નોકરી જનરેટ કરશે.

પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સપ્ટેમ્બર, ૨૦૨૨માં વેદાન્તા-ફોક્ષકોને ૧૯.૦૫ બિલિયન ડોલરના રોકાણ સાથે સેમીકન્ડક્ટર અને ડીસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ ગુજરાતમાં નાખવાનો નિર્ણય કરી એમોયુ કરેલ જેને સરકાર દ્વારા ઉત્સાહપૂર્વક આવકારી જાહેરાત કરાયેલ કે આ પ્રોજેક્ટ ભારતની ઇકોનોમીમાં પ્રાણ પૂરશે અને નવી રોજગારી પણ પેદા કરશે. અલબત્ત આ બંને કંપનીને ચીપ બનાવવાનો અનુભવ નહોતો જેથી આ સંયુક્ત સાહસ સીલીકોન ચીપ બનાવતા ટેકનોલોજી પાર્ટનરની શોધમાં હતું, જે એક વર્ષ બાદ પણ શક્ય ન બનતાં એમણે આ સાહસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. એક એવા પણ સમાચાર છે કે ૨૦૧૭માં વેદાન્તા ગ્રુપે નોર્થ અમેરિકામાં ગ્રેવીટાઝ સાથે સેમી કન્ડક્ટર બનાવવા માટે ફેક્ટરી સ્થાપેલ જે મેન્યુફેક્ચરીગ ક્ષેત્રે ૧૩૦૦૦ નવી નોકરી ઉભી કરી શકે એવી આશા જન્માવેલ પરંતુ આ પણ શક્ય ન બન્યું કારણકે વેદાન્તા ગ્રુપ અગાઉથી નાણાંકીય તકલીફમાં હતું, જેને કારણે તેઓ ભારત કે અમેરિકામાં એમના આ બંન્ને સાહસોમાંથી કોઇ એક સાહસને પણ આગળ વધારી ન શક્યા.

અલબત્ત આ સેટબેક પછી એવા સમાચાર છે કે ફોક્ષકોને વેદાન્તા સાથે છુટા થયા પછી અન્ય બે ટેકનોલોજી પાર્ટનર સાથે એમઓયુ સાઇન કર્યા છે અને કંપની પીએલઆઇ સ્કીમ સબસીડી માટે એપ્લાઇ કરી ૪૫ થી ૬૦ દિવસમાં એ અંગેની જાહેરાત કરશે. આ સારા સમાચાર છે અને આપણે આશા રાખીએ આ ડીલ મટિરિયલાઇઝ થાય અને આપણા દેશનું સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરીંગ હબ બનવાનું સ્વપ્ન સાકાર થઇ શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top