આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા સાત વરસ દરમિયાન 28 હજાર મહિલા અત્યાચારનો ભોગ બનતાં તાત્કાલિક 181 અભયમની મદદ લીધી હતી. જેના પગલે સ્થળ પર પહોંચેલી અભયમની ટીમ દ્વારા આ મહિલાઓને ન્યાય અપાવી તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું છે. આમ, શારીરિક-માનસિક કે અન્ય કોઇપણ કારણોસર પીડિત મહિલાઓ ગમે તે સ્થિતિમાં હેલ્પલાઇનની સહાય મેળવી સુરક્ષિત બની રહી છે. આણંદમાં મહિલાઓને નીડર, સશકત અને સુરક્ષાનું અભય વચન પૂરૂં પાડતી સેવા એટલે 181 અભયમ હેલ્પલાઇન આજે સાચા અર્થમાં સંકટ સમયની સહેલી બની છે. મહિલાઓને કોઇપણ પ્રકારની ઘરેલું હિંસા હોય કે શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષાનું ચક્ર બનીને સતત 24 કલાક અભયમની ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હૂંફ અને સધિયારો પૂરો પાડી રહી છે.
આજના આધુનિક યુગમાં ઘણીવાર રૂઢિચુસ્ત સમાજમાં પરંપરાગત માન્યતાઓ અને જૂનવાણી વિચારસરણી મહિલાઓ માટે મુસીબત નોતરતી હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાઓ પોતે જાય તો કયાં જાય એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જેને ધ્યાને લઇ મહિલાઓના આ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને જીવીકે-ઇએમઆરઇ મહિલાઓની વ્હારે આવીને એક સંકલિત રીતે 181 અભયમ હેલ્પલાઇન કાર્યરત કરી છે. આ હેલ્પલાઇનના માધ્યમથી કોઇપણ મહિલા કોઇપણ રીતે પીડિત થતી હોય તો તેવી મહિલાઓ ગમે તે સમયે ગમે તે સ્થિતિમાં તેની સહાય મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આણંદ જિલ્લામાં પણ 24 કલાક કાર્યરત 181 અભયમ હેલ્પલાઇનનો જિલ્લાની 28,890 મહિલાઓએ સેવા પ્રાપ્ત કરી છે. જેમાં સમયસર પીડિત મહિલાઓ સુધી પહોંચીને સાચા અર્થમાં સુરક્ષા પ્રદાન કરી છે. જેમાં 11 હજાર મહિલા ઘરેલું હિંસાનો ભોગ બની હતી.
રાજ્યની 10 લાખ મહિલાઓએ મદદ લીધી
મહિલાઓને નીડર, સશકત અને સુરક્ષા પૂરી પાડવા માટે રાજય સરકારે વર્ષ 2014માં પાયલોટ પ્રોજકેટ અને ત્યારબાદ વર્ષ-2015ના 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસથી રાજયવ્યાપી 181 અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. આ સાત વર્ષમાં રાજયની 10 લાખથી વધુ મહિલાઓને 181 અભયમ હેલ્પલાઇને તેની સેવાઓ પૂરી પાડી હતી. આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ કોઇપણ મહિલાનું શારીરિક, જાતિય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમાં સતામણી, હિંસા કે અન્યાયની બાબત હોય કે પછી સ્ત્રી ભ્રૂણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોમાં તકરાર-ઝઘડો થયો હોય કે કોઇપણ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત બીજી કોઇપણ મુસીબતો આવી હોય તો તેમાંથી મહિલાઓને બચાવીને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાનો છે.