નડિયાદ: ચકચારી ઊંઢેલા પ્રકરણમાં અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટે 4 પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે. ઊંઢેલા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં આરોપીઓને માતર પોલીસ ઈન્સપેક્ટર, પોલીસ સબ ઈન્સપેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા થાંભલે બાંધી માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં પોલીસને સજા સંભળાવવામાં આવી છે.
સમગ્ર પ્રકરણ કંઈક એમ છે કે, માતરના ઊંઢેલા ગામમાં ગયા વર્ષે નવરાત્રીના ગરબા ચાલી રહ્યા હતા. નવરાત્રીના તહેવારમા ગરબા રમવાના સ્થળ બાબતે મુસ્લિમ સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ગરબા રમતા લોકો પર પથ્થર મારો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીઓને પકડ્યા હતા. પોલીસે આરોપીઓને ગામની વચ્ચે વીજથાંભલે બાંધી અને ડંડાથી માર માર્યો હતો.
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. કાયદામાં પોલીસ દ્વારા આરોપીઓને આ પ્રકારે જાહેરમાં મારવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે, પરંતુ જોશમાં આવેલી માતર પોલીસ હોશ ખોઈ બેઠી હતી અને ખુદ તે વખતના પોલીસ ઈન્સપેક્ટર એ.વી. પરમાર, પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.બી.કુમાવત, હેડકોન્સ્ટેબલ કનકસિંહ લક્ષ્મણસિંહ ડાભી અને કોન્સ્ટેબલ રાજુ ડાભી દ્વારા મુસ્લિમ યુવકોને વીજ થાંભલા સાથે બાંધી ડંડાથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણે મુસ્લિમ પક્ષ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં ગયા વર્ષની ઘટનામાં માત્ર 1 વર્ષના ટુંકાગાળામાં તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં ચારેય પોલીસ કર્મચારીઓને 14 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.
હુ મારા દિકરાને બચાવવા ન જઈ શકી : માતાનો વલોપાત
સમગ્ર ઘટનામાં પીડિત શહેજાદના માતા મકસૂદા મલેકે જણાવ્યુ હતુ કે, નવરાત્રીમાં અમને ગામમાં કંઈક અજુગતુ થશે તેવો ડર સતાવી રહ્યો છે. ઘટના બની તે દિવસે મોડી રાત્રે પોલીસ અમારા દિકરાને લઈ જતી હતી, ત્યારે અમે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મનેય માર માર્યો હતો. મારા હાથમાં લોહી નીકળતુ હતુ, છતાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા, મને ગામમાં બેસાડી રાખી અને મારી નજર સામે મારા છોકરાને થાંભલા સાથે પકડી ઢોર માર માર્યો. હું લાચાર હતી, ડંડો મારા દિકરાને મારતા હતા અને પીડા મને થતી હતી. હું મારા દિકરાને બચાવવા જઈ શકતી ન હતી.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ભંગ બદલ સજા
નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે, કોઈપણ પોલીસ કર્મી જાહેરમાં આરોપીનું સરઘસ કાઢી શકે નહીં. ઉપરાંત જાહેરમાં માર પણ મારી શકે નહીં. મુસ્લિમ પક્ષ નામદાર કોર્ટની અવમાનના કરવા બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જ્યાં પોલીસ કર્મીઓ આ બાબતે દોષિત ઠર્યા છે.
સજાથી બચવા પોલીસ કર્મીઓએ વળતરની પણ ઓફર કરી
આ સમગ્ર મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મીઓને દોષિત ઠેરવ્યા હતા, ત્યારબાદ મામલો ચુકાદા પર હતો. આ દરમિયાન પોલીસ કર્મીઓના વકીલે સજા માફ કરાવવા બદલ પીડિતોને વળતર ચુકવવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ પીડિતો અને મુસ્લિમ સમાજ દ્વારા અનેક બેઠકો બાદ આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો.
પોલીસ પાસે અપીલ માટે 3 મહિનાનો સમય
નામદાર ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મચારીઓને સજા સંભળાવી છે. ન્યાયાધીશ એ.એસ. સૂપેહિયાએ અને ન્યાયાધીશ ગીતા ગોપીની બેંચે સજા સંભળાવી છે, જેમાં પોલીસ કર્મચારીઓને સજાની વિરુદ્ધમાં અપીલમાં જવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધી આ સજા પર અમલવારી થશે નહીં.
પોલીસના વ્યવહારથી પીડિતોને માનસિક હેરાનગતિ : કોર્ટ
ચુકાદા દરમિયાન કોર્ટે 14 દિવસની સાદી સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું હતુ કે, પોલીસના આ પ્રકારના વ્યવહારથી પીડિતોને માનસિક હેરાનગતિ થઈ. જો આ લોકોને માફ કરવામાં આવ્યો તો આવનારા દિવસોમાં તમામ પોલીસકર્મીઓ આવી જ રીતે જાહેરમાં સજા આપવા લાગશે. જે કોર્ટના કાયદાનું અપમાન છે. અમને આ ચુકાદો આપતા દુઃખ થઈ રહ્યુ છે પણ અમે કાયદાથઈ બંધાયેલા છે.