નવસારી : આરક-સિસોદ્રા ગામે કરિયાણાની દુકાનમાં ચોરી કરવા ઘુસેલા ચારને કરિયાણા દુકાનના માલિક અને ગામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધા હતા. જયારે દુકાનની બહાર ઉભેલો યુવાન રોકડા 1500 રૂપિયા લઈ નાસી ગયો હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના આરક-સિસોદ્રા ગામે પાદર ફળીયામાં પિયુષભાઈ બ્રહ્માનંદ અગ્રવાલ તેમના પરિવાર સાથે રહે છે અને આરક સિસોદ્રા ગામના પાટીયા પાસે મેજીક્રેટ કંપનીના ગેટની સામે કરિયાણાની દુકાન ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ગત 6ઠ્ઠીએ પિયુષભાઈ તેમની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે 5 અજાણ્યા યુવાનો પિયુષભાઈની કરિયાણાની દુકાનનું શટર તોડી દુકાનમાં ઘુસ્યા હતા. દરમિયાન મેજીક્રેટ કંપનીમાં કામ કરતા રાહુલભાઈએ પિયુષભાઈને ફોન કરી તમારી દુકાનમાં તાળા તૂટવાનો અવાજ આવે છે જેથી તમે જલ્દી આવી જાવ કહેતા પિયુષભાઈ તેમના ભાઈ અને પિતા સાથે દુકાને પહોંચ્યા હતા. જ્યાં એક ઇસમ બહાર ઉભો હતો તે પિયુષભાઈ અને તેમના પરિવારજનોને જોઈ નાસી ગયો હતો.
જોકે પિયુષભાઈ અને તેમના પરિવારજનોએ દુકાનની અંદર જોતા દુકાનમાં પ્લેટ ફોર્મની પાછળ 4 ઈસમો સંતાયેલા હતા. જેથી પિયુષભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તે ચારેય ચોરને ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે રહેતા મેહુલભાઈ રાજુભાઈ નાયકા, પરેશભાઈ દિનેશભાઈ નાયકા, દેવ નવીનભાઈ નાયકા અને કૃણાલભાઈ રાજુભાઈ નાયકાને ઝડપી પાડયા હતા. પોલીસે ચારેયની પુછપરછ કરતા તેઓએ દુકાનના ટેબલના ખાનામાં મુકેલા રોકડા 1500 રૂપિયા નાસી ગયેલો અને કડોલી ગામે રહેતા રોહિતને આપ્યા હતા. આ બનાવ અંગે પિયુષભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મેહુલભાઈ, પરેશભાઈ, દેવ અને કૃણાલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એમ. મોર્યએ હાથ ધરી છે.