National

દિલ્હીમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગુનેગારો એન્કાઉન્ટરમાં માર્યા ગયા, ગેંગ લીડર રંજન પાઠકનો પણ અંત

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી રાજધાનીમાં મોટી સફળતા મેળવી છે. રોહિણી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગુનેગારોને ઠાર મારવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન બુધવારે રાત્રે રોહિણી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. માહિતી મુજબ ગતરોજ બુધવારે મોડી રાત્રે લગભગ 2:20 વાગ્યે બહાદુર શાહ માર્ગ વિસ્તારમાં બંને રાજ્યોની પોલીસે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની હાજરી જોતા ગુનેગારોએ ગોળીબાર શરૂ કર્યો હતો.જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ચારેય ગુનેગારો ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસે ચારેયને તાત્કાલિક રોહિણી સ્થિત ડૉ. બીએસએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત ગુનેગારોની ઓળખ બિહારના રંજન પાઠક (25), બિમલેશ મહતો (25), મનીષ પાઠક (33) અને દિલ્હીના કરવલ નગરના રહેવાસી અમન ઠાકુર (21) તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ રંજન પાઠક આ ગેંગનો લીડર હતો અને તેના પર અનેક ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા હતા. તે બિહાર અને આસપાસના વિસ્તારોમાં લૂંટ, અપહરણ અને ખૂન જેવી ગંભીર ઘટનાઓમાં સંડોવાયેલો હતો. બિહાર પોલીસે તેની લાંબા સમયથી શોધખોળ શરૂ કરી હતી અને તેની પર ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે રંજન પાઠક અને તેના સાથીઓ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં છુપાયા હતા અને અહીંથી તેઓ ગુનાખોરીની નવી યોજના બનાવી રહ્યા હતા. પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે તેમને ટ્રૅક કરી રોહિણી વિસ્તારમાં ઘેરી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી હથિયાર, કાર્ટ્રિજ અને મોબાઈલ ફોન સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ એન્કાઉન્ટર બાદ બંને રાજ્યોની પોલીસે તપાસ શરૂ કરી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ ચાલુ રાખી છે.

Most Popular

To Top