ખેડા: માતર પંથકમાં બુધવારના રોજ રાત્રીના સમયે વીજળીના ચમકારા અને તેજ ગતિથી પવન ફુંકાવા સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને પગલે માતર તાલુકાના અસામલી ગામમાં એક કાચા મકાનની દિવાલ ધરાશયી થઈ હતી. જેથી મકાનમાં ઘસઘસાટ નિંદર માણતાં પરિવારના ચાર સભ્યો દિવાલના કાટમાળ નીચે દબાયાં હતાં. જ્યારે, દિવાલ ધરાશાયી થવાના કારણે ઘરમાં રહેલી તિજોરી કબાટ તેમજ અન્ય ચીજવસ્તુઓને ભારે નુકશાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ સ્થળે પહોંચી હતી.
માતર તાલુકાના અસામલી ગામમાં આવેલ મલેકવાડા વિસ્તારમાં રહેતાં ઐયુબભાઈ દિવાન બુધવારના રોજ રાત્રીના સમયે જમી-પરવારીને પોતાના ઘરની બહાર ઓસરીમાં ખાટલો નાંખી સૂઈ ગયાં હતાં. જ્યારે, તેમના ભાઈ ફરીદશા દિવાન, બહેન રૂકશાનાબાનું દિવાન, માતા મુમતાઝબીબી અને પુત્ર અયાન દિવાન ઘરમાં અંદર સૂતાં હતાં. દરમિયાન રાત્રીના સમયે એકાએક ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. મોડી રાત્રીના સમયે દિવાન પરિવારના સભ્યો ઘસઘસાટ નિંદર માણી રહ્યાં હતાં. દરમિયાન ધડાકાભેર અવાજ આવ્યો હતો.
આ અવાજથી ઘરની બહાર ઓસરીમાં સુતાં ઐયુબભાઈ ઉંઘમાંથી જાગી ગયા હતાં. અને જોયું તો, પોતાના જ મકાનની દિવાલ ધરાશયી થઈ હતી અને આ દિવાલના કાટમાળ નીચે તેમના ભાઈ-બહેન, માતા અને પુત્ર દટાયાં હતાં. કાટમાળ નીચે દબાયેલાં પરિવારજનોનો કોઈ અવાજ પણ સંભળાતો ન હતો. જેથી ઐયુબભાઈ ગભરાઈ ગયાં હતાં. એટલામાં આસપાસના રહીશો ત્યાં દોડી આવ્યાં હતાં અને કાટમાળ ખસેડીને પરિવારના ચારેય સભ્યોને બહાર કાઢી, હોસ્પિટલ ખસેડ્યાં હતાં. ચારેય ઈજાગ્રસ્તો પૈકી ઐયુબભાઈની બહેન અને પુત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે, તેમની માતા અને ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ, તેઓ સારવાર હેઠળ છે.
આ મામલે ઐયુબભાઈ જણાવે છે કે, કાટમાળ ખસેડતા સૌપ્રથમ મારા પુત્ર અયાને બુમો પાડી હતી. જેથી તેને સૌથી પહેલા બહાર કાઢ્યો હતો. મારાં ભાઈને તો તેના વાળ જોઈને કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. જયારે મારી માતાને જયારે બહાર કાઢ્યા ત્યારે ભાનમા ન હતા. ખેડા ખાનગી હોસ્પીટલમા લઈ ગયા બાદ દોઢ કલાક પછી તેઓ ભાનમાં આવ્યાં હતાં. મારા માતાને વધારે વાગ્યું હોવાથી તેમને નડિયાદ સીટીસ્કેન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. મારા ભાઈ અને માતાને શરીરમાં વધુ પડતાં ફેક્ચર થયાં હોવાથી ખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે મારી બહેનને હાથના ભાગે સામાન્ય ઇજા તથા મારા પુત્રને પગે સામાન્ય ઇજા થતા તેઓને રજા આપી છે. વધુમાં ઐયુબ જણાવે છે કે, મારાં ભાઈની પત્ની અને તેના બે નાના બાળકો પિયર ગયા હોવાથી તેઓ બચી ગયાં હતાં.