વિરપુર : વિરપુર તાલુકામાં બુધવારે રાત્રે વરસેલા ભારે વરસાદને પગલે તાલુકાના પાંસરોડા ગામે એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ઘરમાં સૂતેલા ચાર વ્યક્તિઓ તેની નીચે દટાઈ જતાં અફડા તફડી મચી હતી. જોકે, સ્થાનિકોએ તુરંત ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.
વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે.
વરસાદના કારણે વિરપુર તાલુકામાં અત્યાર સુધીમા 24 જેટલા મકાનોને નુકશાની પહોંચી છે. પાંસરોડા ગામના ગુલાબસિંહ સાયભાભાઈ ખાંટના કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી રાત્રીના દરમિયાન ઘરમાં સૂતા હતા તે દરમિયાન વરસાદના કારણે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી તે સમયે ગુલાબસિંહ સહિતના બે બાળકો અને પત્ની પર દિવાલ પડતાં દટાઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ સ્થાનીકોને થતા નાશાભાગ થઈ ગઈ હતી. તુરંત સ્થાનીક લોકોએ જાતેજ જ બચાવ કામગીરી હાથ ધરી હતી.
કાટમાળ નીચે ફસાયેલા ચાર લોકોને બહાર કઢાયા હતા તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે ગુલાબસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 108ની મદદથી વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે દિવાલ ધરાશાયી થતાં ધરની અંદર રાખેલો સામાનનો કૂચ્ચો વળી ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક તંત્રને થતાં ધટના સ્થળે દોડી આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરપુરમાં વરસાદી માહોલમાં મકાન પડવાના બનાવો વધી ગયાં છે.