Madhya Gujarat

બોરસદ સબજેલમાં કેદી ફરાર પ્રકરણમાં ચાર જવાન સસ્પેન્ડ

આણંદ : બોરસદ સબ જેલની દિવાલ કુદી ભાગી જનારા ચાર કેદીમાંથી એકની ધરપકડ કરી હતી. આ આરોપીની પ્રાથમિક પુછપરછમાં ફરજ પર એક જ જવાન હાજર હતો અને તે પણ ઉંઘતો હતો. આ નિવેદન બાદ જિલ્લા પોલીસ વડાએ ચારેય જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. બોરસદ સબ જેલમાં શનિવારની રાત્રિના પ્રોહિબિશન, બળાત્કાર અને હત્યાના ચાર કેદીએ હેક્સો બ્લેડથી સળિયા નીચેનો લાકડાનો ભાગ કાપી, સળીયા વાળી કમ્પાઉન્ડમાં આવ્યા બાદ સબજેલની દિવાલ કુદી ભાગી ગયાં હતાં. આઇજીના ઇન્સ્પેકશન સમયે જ બનેલા આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી.

આ અંગે પોલીસે નાકાબંધી કર્યા બાદ ભાદરણ પોલીસે કિંખલોડથ લાલપુરા ગામ તરફ જતા રસ્તા પરથી અશ્વિન પુનમ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. જોકે, હજુ ફરાર ત્રણ કેદીની શોધખોળ ચાલુ છે. બીજી તરફ પકડાયેલા અશ્વિન ઠાકોરની આગવીઢબે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ચારેય ભાગ્યા તે સમયે ફરજ પર એક જ જવાન હતો અને તે પણ સુતો હતો. આમ બાકીના ત્રણ જવાબ ક્યાં હતાં ? તે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આ બાબતની ગંભીર નોંધ લઇ જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ ઇન્ચાર્જ જેલગાર્ડ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુરેશભાઈ જીવાભાઈ, સંત્રી ડ્યુટી હેડ કોન્સ્ટેબલ માલાજી પુજાજી, પોલીસ કોન્સ્ટેબલ સેતલકુમાર દિનેશભાઈ અને જયદીપસિંહ હિરાભાઈને સસ્પેન્ડ કરવાનો હુકમ બજાવી દીધો હતો.
હત્યાના આરોપી સંજયે કાવત્રુ ઘડ્યુ હતું
ભાદરણ પોલીસે ફરાર કેદીમાંથી પકડી પાડેલા અશ્વિન પુનમ ઠાકોરની પુછપરછ કરતા તે સમગ્ર કાંડ હત્યાના આરોપી સંજય ગણપત પરમારે ઘડ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે જ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

Most Popular

To Top