SURAT

સુરતમાં મેઘરાજાનો ધમધમાટ, વરાછા, કતારગામ અને રાંદેર ઝોનમાં ચાર ઇંચ વરસાદ

શહેરમાં બુધવારના રોજ વરસાદની રિ-એન્ટ્રી થઈ હતી. થોડા દિવસોના વિરામ બાદ ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમાં આજે લાંબા સમય બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. માત્ર બે કલાકમાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી પાણી કરી દીધું હતું. શહેરમાં વરાછા, રાંદેર અને કતારગામ ઝોનમાં સૌથી વધારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કરતાં સુરતીજનોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી.

શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે તેમજ સાંજના સમયે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. મનપાના ફ્લડ કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ કતારગામ, વરાછા બી અને રાંદેર ઝોનમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોન, લિંબાયત અને ઉધનામાં 3 ઇંચ જેટલો જ્યારે અઠવા ઝોનમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ ભારે વરસાદને કારણે નીંચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઇ જવા પામ્યા હતાં. અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 30.6 ઇંચ વરસાદ નોધાયો છે.

મંગળવારના સાંજે 8 થી બુધવારે સાંજે 8 સુધીના વરસાદના આંક

કતારગામ-4.1 ઇંચ
રાંદેર-4 ઇંચ
વરાછા-એ-3.5 ઇંચ
વરાછા-બી-4.4 ઇંચ
સેન્ટ્રલ-3.1 ઇંચ
લિંબાયત-2.5 ઇંચ
ઉધના-3 ઇંચ
અઠવા-1.8 ઇંચ

સાંજના 4 થી 8 માં ચાર કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

વરાછા-બી-3.4 ઇંચ
કતારગામ-3 ઇંચ
વરાછા-એ-2.6 ઇંચ
ઉધના-2.5 ઇંચ
લિંબાયત-2.1 ઇંચ
સેન્ટ્રલ-2 ઇંચ
અઠવા-1.7 ઇંચ
રાંદેર-1.6 ઇંચ

ભારે વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા

શહેરમાં સાંજના 4 થી 8 માં વિવિધ વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. જેમાં કતારગામ, હાથીમંદિર, ડભોલી, વેડરોડ, અમરોલી, છાપરાભાઠા, મોટાવરાછામાં સુદામાં ચોક, યમુના ચોક, નાના વરાછા, સીમાડાનાકા, બરોડા પ્રિસ્ટેજ, ઉમિયાધામ મંદિર પાસે, પુણાગામમાં અર્ચના સ્કૂલ પાસે, નાનપુરા ટીમલિયાવાડ, ચોકબજાર જનતા માર્કેટ પાસે, હોડી બંગલા, લિંબાયત, પાંડેસરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણી ભરાઈ ગયા હતાં. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. જોકે પાણી ભરાવવાના કારણે મનપાની પ્રીમોન્સૂન કામગીરીના દાવાઓ અહીં પોકળ સાબિત થયા હતા.

Most Popular

To Top