ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ ટીઆરપી કાંડમાં પોલીસ (Police) દ્વારા આજે રાજકોટ મનપાના સાઈડલાઈન કરાયેલા ટાઉન પ્લાનીંગ અધિકારી એમ ડી સાગઠિયા સહિત ચાર અધિકારીઓની ધરપકડ કરી લેતા , રાજકોટ કરોડોના ભ્રષ્ટાચારમાં આળોટતાં અધિકારીઓમાં ફફટાડ વ્યાપી ગયો છે. સાગઠિયા પાસે કરોડની સંપત્તિ હોવાની વિગતો બહાર આવી રહી છે, જેના પગલે એસીબીની ટીમ દ્વારા સાગઠીયા સામે તપાસ શરૂ કરી દેવાઈ છે. એસીબી દ્વારા ટીઆરપી આગકાંડ સાથે સંકળાયેલા અધિકારીઓની બેનામી મિલકતો જપ્ત કરી ગુનો દાખલ કરાશે.
- રાજકોટ ટીઆરપી આગકાંડમાં ટીપીઓ સાગઠિયા સહિત ચારની ધરપકડ, હજુયે મોટા માથાઓની વધુ ધરપકડના ભણકારા
- 75 હજારના પગારદાર સાગઠીયા પાસે 8 કરોડનો બંગલો અને કરોડોની સંપત્તિ કેવી રીતે આવી?
આજે સાંજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા ચાર અધિકારીઓમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા, આસી. ટીપીઓ મુકેશ મકવાણા, આસી ટીપીઓ ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં જ સાગઠિયાને હટાવી દેવાયા હતા.રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની અને પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે. સાગઠિયા કરોડોની સંપત્તિનો આસામી હોવાનો ખુલાસો થયો છે.તેમની પાસે 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, 200 કરોડની જમીન સહિતની મિલકતો વસાવી હોવાના આરોપ લાગ્યા છે.
સાગઠીયાની રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇ-વે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસની કામગીરી પણ ચાલુ છે.હાઇ-વે પર આવેલ ફાર્મ હાઉસ તેમના પરિવારનું હોવાની ચર્ચા છે. ટીપીઓ એમ. ડી સાગઠીયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલપંપ, બંગલા હોવાના આક્ષેપો થયા છે.50થી 75 હજારના પગારદાર સરકારના એક ટાઉન પ્લીનીંગ અધિકારી પાસે આટલી પ્રોપર્ટી આવી કયાથી ? તે પ્રશ્નનો જવાબ પ્રજા શોધી રહી છે.ઉલ્લેખનીય છે કે 2014 પછી અત્યાર સુધીના ત્રણ સીએમ આનંદીબેન પટેલ , વિજય રૂપાણી અને હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર છે ત્યારે શહેરી વિકાસ વિભાગનો હવાલો સીએમ પાસે જ રહયો છે, ત્યારે હવે સીએમઓ પર માછલા ધોવાઈ રહયા છે. સીએમઓ પણ આ જવાબદારીમાંથી છટકી શકે નથી. જણાવી દઈએ કે ટીઆરપી આગકાંડમાં છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જયારે આ દુર્ઘટનામાં 28
નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. અગાઉ સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.