Dakshin Gujarat

ગણદેવીમાં 4 કલાકમાં પોણા છ ઈંચ ધોધમાર વરસાદ, પારડીના પલસાણામાં પુલ પર કાર ફસાઈ

સુરત: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયો છે. વલસાડ અને ગણદેવીમાં શુક્રવારથી વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જેના લીધે અનેક રસ્તાઓ બંધ થયા છે. પારડીના પલસાણામાં પુલ પર કાર ફસાઈ ગઈ હતી, જેને જેસીબીની મદદથી સ્થાનિકોએ બહાર કાઢી હતી. ગણદેવીમાં 4 કલાકમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેથી ઠેરઠેર પાણી ભરાયા છે. જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયો છે. ગામના મુખ્ય રસ્તા પર નદીઓ વહેવા લાગી છે.

મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા, 14 રસ્તા બંધ કરાયા
વલસાડ જિલ્લામાં પંયાત હસ્તક આવતા 12 રસ્તા એક સ્ટેટ હાઈવે તેમજ અન્ય એક મુખ્ય માર્ગ મળી કુલ 14 જેટલાં રસ્તા બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, તેથી મધુબન ડેમના ચાર દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યા છે. હાલ મધુબન ડેમમાં 14,216 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ડેમમાંથી 7288 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. દમણગંગાના નીચાણવાળા વિસ્તારમાં જવા પ્રતિબંધ મુકાયો છે.

પલસાણાના પુલ પર કાર ફસાઈ
વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલા પલસાણા ગામમાંથી પસાર થતી ગંગાજી ખાડી પર એક કાર વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. કાર ચાલક અંદર જ હતો. તે બહાર નીકળી શકતો ન હતો. જેસીબીની મદદથી કાર અને કાર ચાલકને સ્થાનિકોએ રેસક્યુ કર્યો હતો.

દ.ગુજરાતમાં વરસાદ ફરી ધબધબાટી બોલાવે તેવી આગાહી
સુરતઃ મોનસુન ટ્રફનો પશ્ચિમ છેડો આગામી 3-4 દિવસ સામાન્‍ય અથવા સામાન્‍ય સ્‍થિતિ કરતા ઉત્તર તરફ સક્રિય રહેશે. ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ કાંઠા સુધી સક્રિય છે, જે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત કાંઠા સુધી સક્રિય રહેશે. જેને પગલે આગામી અઠવાડિયે ફરી વરસાદ ધબધબાટી બોલાવે તેવી સંભાવના છે. આજે પણ શહેરમાં મળસ્કે બે કલાકમાં ૨૯ મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય સમગ્ર દિવસ શહેરમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળમાં 6 મીમી, ઉમરપાડામાં 21 મીમી, માંડવીમાં 6, કામરેજમાં 5, ચોર્યાસીમાં 15, પલસાણામાં 27, બારડોલીમાં 37 અને મહુવામાં સર્વાધિક 53 મીમી વરસાદ નોંધાયો છે. ઓલપાડ તાલુકો કોરોકટ રહ્યો છે.

ઉકાઈમાં પાણીની આવક ઘટી, સપાટી 309.54 ફુટ
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમમાં આજે પાણીની આવક પણ ઘટી હતી. છેલ્લા બે ત્રણ દિવસથી સતત 17,000 ક્યુસેક પાણીની આવક ગઈકાલે સાંજે ઘટીને 11,000 ક્યુસેક નોંધાઈ હતી. જે આજે વધુ ઘટાડા સાથે 6,000 ક્યુસેક થઈ છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી 309.54 ફૂટ નોંધાય છે.

Most Popular

To Top