રાયગઢ: દેશમાં આતંકવાદીઓની (Terrorist) ગતિવિધિ ફરી વધી હોવાનું ચિત્ર ઉભું થયું છે. સ્વાતંત્ર્ય દિન (Independence Day) પહેલાં દિલ્હી અને જમ્મુમાંથી આતંકવાદીઓ, વિસ્ફોટકો હથિયારો ઝડપાયા બાદ હવે મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢના દરિયામાંથી (Sea) એક શંકાસ્પદ બોટ મળી આવી છે. આ બોટમાં (Boat) AK 47 રાઈફલ અને કારતૂસ પણ મળ્યા છે. 26/11ના આતંકી હુમલા વખતે પાકિસ્તાનથી આતંકવાદીઓ બોટમાં આવ્યા હતા તે જ મોડસ ઓપરેન્ડી મુજબ આતંકીઓ દરિયાઈ માર્ગે બોટમાં બેસી ભારતમાં પ્રવેશતા દોડધામ મચી ગઈ છે.
મહારાષ્ટ્રના હરિહરેશ્વર કિનારે (રાયગઢ જિલ્લો) દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બોટમાંથી એકે 47, રાઈફલ્સ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. આ સિવાય બોટમાં એક વિસ્ફોટક બોમ્બ પણ હતો. આ પછી સમગ્ર રાયગઢ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હથિયારો જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે બોટનો કબજો મેળવી લીધો છે. આ બોટ દરિયાના કિનારે જોવા મળી છે. પોલીસ સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે. જ્યાં આ બોટ મળી છે તે મુંબઈથી 200 કિમી અને પુણેથી 170 કિમી દૂર છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, બોટ ઓસ્ટ્રેલિયાની મહિલાની છે
શંકાસ્પદ બોટ કોની છે તે અંગે જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક બાબતો જણાવી છે. તેમણે કહ્યું કે આ બોટ ઓસ્ટ્રેલિયાની એક મહિલાની છે. આ બોટનું નામ લેડી હેન છે. તેની માલિક ઓસ્ટ્રેલિયાની એક મહિલા છે. તેના પતિ આ બોટના કેપ્ટન છે. આ બોટ મસ્કત (ઓમાન) થી યુરોપ તરફ જઈ રહી હતી. આ બોટના એન્જિનને 26 જૂન 2022ના રોજ નુકસાન થયું હતું. તે બોટ પરના લોકોએ બચાવવા માટે એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારપછી કોરિયાની નેવીએ આ તમામ લોકોને જહાજમાંથી બચાવ્યા હતા અને પછી તેમને ઓમાનમાં છોડી દીધા હતા. પરંતુ ભારે ભરતીના કારણે આ બોટને ખેંચવામાં આવી ન હતી. ત્યારે આ બોટ હવે હરિહરેશ્વર બીચમાં કિનારે આવી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે હાલમાં કોઈ આતંકવાદી એંગલની પુષ્ટિ થઈ નથી. માછીમારોને 16 મીટર લાંબી એક લાવારસ બોટ મળી આવી હતી. તેણે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે રાયગઢમાંથી મળેલી શંકાસ્પદ બોટમાંથી 3 એકે 47 રાઈફલ અને ગનપાઉડર મળી આવ્યા છે. તેમને વોટરપ્રૂફ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. હાલ એટીએસ અને કોસ્ટગાર્ડ કેસની તપાસમાં લાગેલા છે.
દરમિયાન, એવું પણ સામે આવ્યું છે કે નેપ્ચ્યુન P2P ગ્રુપ દ્વારા MY લેડી હાન બોટને ખાનગી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. પરંતુ આ બોટ ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ કેપ્ટન અને બાકીના ક્રૂને ઈમરજન્સી હેઠળ બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ખતરનાક હવામાનને કારણે બોટને બહાર કાઢી શકાઈ ન હતી. કંપનીએ માની લીધું હતું કે બોટ દરિયામાં ડૂબી હશે. પરંતુ હવે તે ભારતીય કિનારે પહોંચી છે. હવે નેપ્ચ્યુન પી2પી ગ્રુપ અને આ બોટના માલિક ભારત અને યુકેના અધિકારીઓના સંપર્કમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેથી બોટ અને તેમાં મળેલો સામાન રિકવર કરી શકાય.
13 વર્ષ પહેલાં પણ આતંકવાદીઓ દરિયા માર્ગે ભારતમાં ઘૂસ્યા હતા
દરિયાઈ માર્ગે આતંકવાદીઓ આવવાની શક્યતા હંમેશા રહેતી હોય છે. આ પહેલા 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. તે સમયે 10 આતંકવાદીઓ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા. બોટને બીચ પર છોડ્યા બાદ આતંકીઓએ અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓએ બે હોટલ, એક હોસ્પિટલ અને રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 160 લોકોના મોત થયા હતા.