surat : ગુજરાત સરકારે ( gujrat goverment) 18 મે સુધી મિનિ લોકડાઉન ( mini lockdown) ની સ્થિતિને યથાવત રાખવાનો નિર્ણય મંગળવારે જાહેર કર્યો છે. તેને લઇ રિંગ રોડ અને સારોલીની કાપડ માર્કેટો ( textiles market) 50 ટકા સ્ટાફ સાથે ખોલવી કે કેમ તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, ફોસ્ટાએ આવતીકાલે માર્કેટના પ્રમુખ સેક્રેટરીનો અભિપ્રાય લીધા પછી માર્કેટ ચાલુ રાખવી હશે તો કલેક્ટર પાલિકા કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની સંયુક્ત કો-ઓર્ડિનેશન કમિટીને રજૂઆત કરશે.
સોમવારે ચેમ્બરને જુદાં જુદાં ટેક્સટાઇલ સંગઠનોની મળેલી રજૂઆતને આધારે કલેક્ટરને રજૂઆત કરાતાં સવારે કલેક્ટરે 10થી 2 વાગ્યા સુધી માર્કેટની દુકાનો ખોલવા માટે મંજૂરી આપી હતી. જે સાંજે રદ કરવામાં આવી હતી. માર્કેટ ચાલુ રાખવી કે બંધ કરાવવી તેનો નિર્ણય અધિકારીઓની બનેલી ઉચ્ચસ્તરીય કમિટી લેશે. પરંતુ મોટા ભાગના વેપારીઓ એવું વિચારી રહ્યા છે કે, માર્કેટની દુકાનો ખોલવામાં આવશે તો પ્રોસેસર્સ અને વિવર્સ બાકી ઉઘરાણીની વસૂલાત કરશે. તે જોતાં વેપારીઓ બીજાં રાજ્યોમાં 24 મે સુધી લોકડાઉન હોવાથી સુરતમાં માર્કેટની દુકાનો ખોલવાના પક્ષમાં નથી.
ગત તા.28મી માર્ચથી રાજ્યમાં મિનિ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. તે દિવસથી જ શહેરની 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાન બંધ છે. બીજી તરફ દક્ષિણમાં કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરમાં યુપી, બિહાર, દિલ્હી આ તરફ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશભરનાં મુખ્ય બજારોમાં લોકડાઉન છે. ક્યાંક 18 તો ક્યાંક 24 મે સુધી લોકડાઉન છે. જેના લીધે સુરતમાંથી રવાના થયેલું ફિનિશ્ડ કપડું છેલ્લાં 20 દિવસથી ટ્રાન્સપોટર્સના ગોડાઉનમાં પડ્યું છે. વેપારીઓ માલની ડિલિવરી પણ લઈ રહ્યાં નથી. અંદાજે 6 હજાર કરોડનું નુકસાન સમગ્ર કાપડ ઉદ્યોગને થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં કાપડ માર્કેટની દુકાનો ખોલવાથી વેપારીઓને નવા ઓર્ડર મળે કે જૂનો સ્ટોક ક્લિયર થાય અને પેમેન્ટ આવે તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી. તેથી વેપારીઓ હજુ સુધી દુકાનો ખોલવાના મૂડમાં જણાતા નથી. તેમ છતાં ફોસ્ટા દ્વારા 13મી મેથી સવારે 11થી બપોરે 4 સુધી દુકાનો ખોલવાની પરવાનગી માંગી છે, પરંતુ ફરી એકવાર રાજ્ય સરકારે મિનિ લોકડાઉન 18 મે સુધી લંબાવ્યું હોવાથી હવે શું કરવું તે પ્રશ્ન ઊભો થયો છે. ફોસ્ટા દ્વારા આવતીકાલે વિવિધ માર્કેટના પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પોલીસ અને પાલિકા કમિશનર સાથે વિચારવિમર્શ બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. જો કે, વેપારીઓ હજુ એક અઠવાડિયા સુધી માર્કેટ ખોલવાના મૂડમાં જણાતા નથી.
આ તરફ વિવર્સ, પ્રોસેસર્સ આર્થિક સંકટમાં મુકાયા છે. નવા જોબવર્ક નહીં મળવા સાથે જૂનાં પેમેન્ટ પણ આવી રહ્યાં નહીં હોવાથી ઉત્પાદકો વેળાસર કાપડ માર્કેટ ખૂલી જાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરકારી નિયમો સામે મજબૂર છે. ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડાએ કહ્યું કે, સમગ્ર દેશનાં બજારો ખૂલે તો જ કાપડના વેપારીઓને ફાયદો છે, અન્યથા દુકાન ખોલી સંક્રમણને ઉત્તેજન આપવાની જ સ્થિતિ ઊભી થશે.એસજીટીટીએ (સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરાયું હતું. તેમાં મોટા ભાગના વેપારીઓએ કાપડ માર્કેટ બંધ રાખવાના જ પક્ષમાં મત વ્યક્ત કર્યો હતો. એસોસિએશનના પ્રમુખ સાંવરપ્રસાદ બુધિયાએ કહ્યું કે, દેશનાં મોટા ભાગનાં બજાર બંધ હોવાથી માર્કેટ ખોલવાનો કોઈ લાભ નથી