સુરત : સુરતનાં (Surat) કાપડ ઉદ્યોગના (Textilie Industry) સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (Fostta) ની ચૂંટણી 11 વર્ષના લાંબા અંતરાલ પછી આખરે આજે 8 જુલાઈના રોજ ચૂંટણી (Election) યોજાઈ રહી છે. 41 બેઠકો માટે 211 માર્કેટના 636 મતદારો સવારથી રિંગરોડની વણકર સંઘ ટેક્સટાઈલ માર્કેટમાં 15 બુથોમાં મતદાન (Voting) કરી રહ્યાં છે.
ફોસ્ટાની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ જાતિગત સમીકરણોને આધારે બેઠકોની ગણતરી શરૂ થઈ હતી. ફોસ્ટાનાં કુલ 636 મતદારોમાંથી સૌથી વધુ 156 મતદારો અગ્રવાલ છે. એ પછી 142 જૈન, 95 પંજાબી અને સિંધી, 65 મહેશ્વરી, 95 સુરતી અને રાજસ્થાની, 26 સૌરાષ્ટ્રવાસી, 18 મુસ્લિમ વેપારીઓ મતદાર છે.
અગ્રવાલ બહુમતીમાં હોવાથી જૈન, મહેશ્વરી, પંજાબી, સિંધી, અને અન્ય સુરતી, રાજસ્થાની સમાજના ઉમેદવારોએ ગઠબંધન કરી મોરચો બનાવવા પ્રયાસો પણ કર્યા હતાં. પણ શામ, દામ, દંડ, ભેદની નીતિઓ અપનાવી ગઠબંધન વાળી એકતા પેનલના પ્રમુખ પદનાં દાવેદાર નિર્મલ જૈન સહિત 29 ઉમેદવારોને બેસાડી દેવામાં આવ્યા હતા.
વિકાસ પેનલના 41 સામે એકતા પેનલના માત્ર 10 ઉમેદવારો રહી ગયા હતા. મતદાનનાં આગલા દિવસે અગ્રવાલ, મહેશ્વરી, જૈન, સિંધી, પંજાબી સમાજનાં નામે પેનલને બદલે સમાજના ઉમેદવારને જીતાડવા મેસેજનો મારો ચાલ્યો હતો. મિલ માલિકો અને બિલ્ડરો વાળી સમૃદ્ધ પેનલ વિરુદ્ધ નાના વેપારીઓનો રોચક જંગમાં નાના વેપારીઓએ કેટલા ફાવે છે.
એ ચિત્ર આજે રાત સુધીમાં સ્પષ્ટ થઈ જશે. રાજકીય દબાણ હેઠળ એકતા પેનલના 31 ઉમેદવારોએ મેદાન છોડ્યા પછી એક તરફી થયેલી ચૂંટણીમાં જો જ્ઞાતિવાદ આધારિત ક્રોસ વોટિંગ થયું તો વિકાસ પેનલનાં એક બે મોટા માથાઓની વિકેટ પડી શકે છે.
અગ્રવાલ, જૈન, મહેશ્વરી અને પંજાબી-સિંધી સમાજના મતદારોના મત નિર્ણાયક
ફોસ્ટાની ચૂંટણીમાં જ્ઞાતિવાદ કઈ નવો નથી, ભૂતકાળમાં પણ જ્ઞાતિ આધારિત મતદાન થયું હતું. એને પગલે દિગ્ગજોની હાર થઈ હતી. અગ્રવાલ, મહેશ્વરી, જૈન, સિંધી, પંજાબી સમાજના બંને પેનલમાં સમાજના જે ઉમેદવારો હોય એને વિજયી બનાવવા સોશિયલ મીડિયામાં આજે દિવસભર મેસેજ ફર્યા હતા.
ફોસ્ટાની ચૂંટણીમાં મતદારોનું ગણિત
- અગ્રવાલ ૧૫૬
- જૈન ૧૪૨
- મહેશ્વરી ૬૫
- પંજાબી-સિંધી ૯૬
- મુસ્લિમ ૧૮
- સૌરાષ્ટ્રવાસી ૨૬
- સુરતી રાજસ્થાની અન્ય ૯૫