surat : રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટ ( textile market) ગત 28 તારીખથી બંધ હોવાથી વેપારીઓ હવે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. જો હવે મિનિ લોકડાઉન ( lockdown) માં ફરીથી માર્કેટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવે તો વેપારીઓની હાલત કફોડી થશે. જેના લીધે વેપારીઓમાં હવે આગામી તા.18 તારીખથી માર્કેટ શરૂ થાય તેવો ગણગણાટ શરૂ થયો છે. શુક્રવારે લેન્ડમાર્ક માર્કેટ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા મનપા કમિશનરને માર્કેટો શરૂ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે વેપારીઓનો મિજાજ પારખી ગયેલા ફોસ્ટાના પદાધિકારીઓએ સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ( c r patil) ને રજૂઆત કરી આગામી 18 તારીખથી માર્કેટ શરૂ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
વેપારીઓનું કહેવું છે કે, દુકાનો ભલે બંધ છે, પરંતુ દુકાનનું ભાડુ, વીજળી બિલ, મેઇન્ટેનન્સ ખર્ચ, કામદારોનો પગાર, બેંક લોનનો હપ્તો વગેરે ચાલુ છે. માર્કેટો બંધ હોવાથી નવા ઓર્ડર તો મળ્યા નથી. પરંતુ પેમેન્ટ પણ અટવાઇ ગયાં છે. જો કોરોનાની ગાઇડલાઇન સાથે માર્કેટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તો ધીમે-ધીમે ગાડી પાટે ચડી શકે છે. જો કે, વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માર્કેટો શરૂ કરાવવા માટે પરવાનગી પણ મેળવવામાં આવી હતી. એ સમયે ચેમ્બરે કેટલાક વાંધા મૂકી પરમિશન રદ કરાવી દેતાં વિવાદ પણ સર્જાયો હતો. તેના બે દિવસ મિનિ લોકડાઉન લંબાવાતાં ફોસ્ટા ( fosta) ના પદાધિકારીઓએ પોલીસ પાસે જઇ માર્કેટ શરૂ કરવાની માંગ કરી હતી. જો કે, પોલીસે ઇન્કાર કર્યો હતો. હવે વેપારીઓ પોતે જ દુકાનો ક્યારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. વેપારીઓ એવો ગણગણાટ શરૂ થયો છે કે, ચેમ્બર અને ફોસ્ટાના ગજગ્રાહમાં વેપારીઓનો ખો નીકળી રહ્યો છે.
વેપારીઓની મુશ્કેલી વધતાં તેઓ પોતે જ માર્કેટ શરૂ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ગઇકાલે લેન્ડમાર્ક માર્કેટ એસોસિએશને ચેમ્બરને પત્ર લખી માર્કેટો શરૂ કરાવવાની માંગ કરી હતી. જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટે પણ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. વેપારીઓનો મિજાજ જાણી ગયેલા ફોસ્ટાના પદાધિકારીઓ શનિવારે સાંસદ સી.આર.પાટીલને મળી 18 તારીખથી માર્કેટ શરૂ કરવાની રજૂઆત કરી હતી. સી.આર.પાટીલે તેમની રજૂઆત સાંભળી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
કાપડ માર્કેટમાં મજબૂત અને લોકશાહી ઢબે સંગઠન બનાવવાના મેસેજ ફરતા થયા
કાપડ માર્કેટમાં થોડા દિવસો પહેલાં ચેમ્બર અને ફોસ્ટા વચ્ચે માર્કેટ શરૂ કરવાને લઈ વિવાદ થયો હતો. ચેમ્બરે માર્કેટ શરૂ કરવાની પરવાનગી લીધી હતી, જે ફોસ્ટાના પદાધિકારીઓ રદ કરાવી દેતાં વેપારીઓ પણ ફોસ્ટાની ભૂમિકાને લઇ અવઢવમાં મુકાયા છે. વેપારીઓનું માનવું છે કે જો વેપારીઓની વાત ઉપર સુધી પહોંચાડવી હોય તો મજબૂત અને લોકશાહી રીતે બનાવેલું સંગઠન હોવું જોઇએ. અસંગઠિત રીતે ચાલતી સંસ્થાને લીધે વેપારને નુકસાન થઇ રહ્યું છે. સુરતનો વેપાર અન્ય શહેરોમાં શિફ્ટ થઇ રહ્યો છે. સુરતનો કાપડ માર્કેટ કોરોનાની ગાઇડલાઇન સાથે ચાલુ થઇ શકે છે. જો કાપડ માર્કેટ ખૂલશે તો જ તમામ ઉદ્યોગ વેપારની ગાડી પાટે ચડશે. સંગઠનોમાં પરસ્પર વિવાદથી વેપારને નુકસાન થશે. કેટલાક બની બેઠેલા નેતાઓને લીધે વેપારને નુકસાન થઇ રહ્યું છે. લાખો લોકો બેરોજગાર બની ગયા છે. મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. કેટલાક વેપારીઓએ પોતાનો અહમ સંતોષવા સમગ્ર વેપારને બાનમાં લેતાં વેપારીઓની મુશ્કેલી વધી છે. તેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માર્કેટ શરૂ કરાવવા માટે પ્રયાસ કરવા જોઇએ અને કાપડ માર્કેટમાં મજબૂત અને લોકશાહી રીતે સંગઠન બને તેવા મેસજ ફરતા થયા હતા.