ભોપાલ ગેસ હોનારતને ચાલીસ વર્ષ થઇ ગયા તેના પછી છેક હાલમાં આ દુર્ઘટના જ્યાં થઇ હતી તે, હવે બંધ પડેલી યુનિયન કાર્બાઇડ ફેકટરીમાંથી ૩૭૭ ટન જેટલો હાનિકારક કચરો ધાર જિલ્લાના એક યુનિટમાં નિકાલ માટે ખસેડાયો અને તે સાથે જ એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. આમ પણ ભોપાલની ગેસ દુર્ઘટનાની યાદો ઘણી ભયંકર છે અને તે હોનારત જ્યાં થઇ હતી તે ફેકટરીના કચરાના નિકાલની વાત આવે એટલે આ કચરાનો જયાં નિકાલ કરવાનો હોય તે વિસ્તારના લોકોમાં ભય અને ચિંતાઓ ફેલાય તે સ્વાભાવિક છે.
આ ઝેરી કચરો હાલ કેટલાક દિવસ પહેલા ૧૨ સીલબંધ કન્ટેઇનર ટ્રકોમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલથી ધાર જિલ્લાના પિથમપુર આદ્યોગિક વિસ્તારમાં લઇ જવાયો હતો, જે સ્થળ ભોપાલથી ૨૫૦ કિમી દૂર છે. આ કચરો નિકાલ માટે જ્યાં મોકલવામાં આવ્યો છે તે પિથમપુરના લોકોમાં સ્વાભાવિક રીતે જ કચવાટ ફેલાઇ ગયો અને કચરા નિકાલના આ કાર્યક્રમ સામે વ્યાપક વિરોધ થવા માંડ્યો. આ કચરાનો બાળીને નિકાલ કરવાનો છે અને તે માટે તેને પિથમપુરની એક ફેકટરીમાં મોકલવામાં આવ્યો છે. આ કચરાને બાળવામાં આવતા તેના ધુમાડા વગેરેથી લોકોના આરોગ્યને જોખમ ઉભું થશે એવી સ્વાભાવિક ચિંતા સ્થાનિક લોકોમાં ઉભી થઇ ગઇ. બીજી બાજુ, આ કચરાના નિકાલ અંગે લોકોનો ભય દૂર કરવા માટે સરકારી તંત્રે પણ પોતાના પ્રયાસો શરૂ કરી દીધા.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લોકોની શંકાઓ દૂર કરવાના પ્રયાસમાં આ કચરો ઝેરી નહીં હોવાનું જણાવ્યું હતું. આ કચરામાં ૬૦ ટકા કાદવ અને ૪૦ ટકા નેપ્થોલ છે જે જંતુનાશક બનાવવામાં વપરાય છે અને તે હવે હાનિકારક નથી. તેનું ઝેર ૫ચ્ચીસ વર્ષ સુધી રહે છે અને આ દુર્ઘટનાને ૪૦ વર્ષ થઇ ગયા છે એ મુજબ યાદવે જણાવ્યું હતું .સુપ્રીમ કોર્ટે બધા તપાસ રિપોર્ટ્સ જોયા પછી જ આ કચરાના નિકાલની છૂટ આપી છે એમ પણ તેમણે કહ્યું હતું. બીજી બાજુ મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા જીતુ પટવારીએ કહ્યુ઼ હતું કે આ કચરાથી પિથમપુર અને ઇન્દોરના લોકો માટે કેન્સરનો ભય વધી શકે છે એવો કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૮૪માં બીજી અને ત્રીજી ડિસેમ્બર વચ્ચેની રાત્રે યુનિયન કાર્બાઇડ નામની જંતુનાશકો બનાવતી કંપનીની ફેકટરીમાંથી ઝેરી ગેસનું ગળતર થતા ઓછામાં ઓછા ૫૪૭૯ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકોને ગંભીર તકલીફો ઉભી થઇ હતી. આ ભયંકર ઘટનાની યાદો હજી પણ ભોપાલ અને તેની આજુબાજુના ઘણા લોકોના મનમાં તાજી હોય તે સ્વાભાવિક છે અને તે સમયે જેઓ જન્મ્યા નહીં હોય તે ખૂબ નાના હોય તેમણે આ ઘટનાની કરૂણ વાતો સાંભળી હોય એટલે તેઓ પણ આ હોનારત સાથે સંકળાયેલા કચરાથી પણ ભયભીત થાય એ દેખીતું છે.
કચરો લવાયા બાદ પિથમપુરમાં સખત વિરોધ પ્રદર્શનો શરૂ થયા, એક દિવસ બંધ પણ પાળવામાં આવ્યો. આ કચરો લવાયાના સપ્તાહો પછી પણ, આ લખાય છે ત્યારે પણ કચરાનો નિકાલ કરી શકાયો નથી અને તે ફેકટરીમાં જ પડેલો છે. હવે સરકારી તંત્ર લોકોની સમજાવટ માટે ૧૫૦ જેટલા માસ્ટર ટ્રેઇનરોને પિથમપુરની શાળાઓ, ઉદ્યોગો, બજારોમાં સમજ આપતું સાહિત્ય, પેમ્ફ્લેટો સાથે મોકલી રહી છે જેઓ લોકોને આ કચરાનો નિકાલ તેમને માટે જોખમી નહીં હોવાનું સમજાવશે. નુક્કડ સભાઓ પણ યોજાશે, આ અભિયાન બે સપ્તાહ સુધી ચાલશે એમ એક વરિષ્ઠ અધિકારીએ ગત રવિવારે જણાવ્યું હતું. એટલે હજી કેટલાક દિવસો સુધી તો આ કચરાનો નિકાલ નહીં જ થાય. પછી શું થાય છે તે જોવાનું રહે છે.