SURAT

હેલ્મેટનો કાયદો રદ કરો, સુરતના પૂર્વ ધારાસભ્યએ કેમ કરી આવી માંગણી…

અકસ્માતમાં કોઈના કમોત નહીં થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે, ત્યારે સુરતના પૂર્વ ધારાસભ્યએ આ કાયદા સામે વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક ધોરણે હેલ્મેટના કાયદાને રદ કરવાની માંગણી ઉઠાવી છે.

સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ગુજરાત સરકાર સામે માગણી કરી છે કે રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત બનાવનાર કાયદો તાત્કાલિક અસરથી રદ્દ કરવો જોઈએ. તેમનું માનવું છે કે આ કાયદો વાસ્તવિકતા સાથે સુસંગત નથી. હેલમેટ ખરેખર તો ટુવ્હીલર ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે.

ધીરુ ગજેરાએ કહ્યું કે, શહેરી વિસ્તારોમાં વાહન વધુ સ્પીડમાં દોડતા નથી. એક કિલોમીટરના અંતરમાં ત્રણથી ચાર ટ્રાફિક સિગ્નલ આવતા હોય છે, જ્યાં વાહનો અવરજવર કરતાં વધુ સમય રોકાતા હોય છે. આવી સ્થિતિમાં હેલ્મેટ ફરજિયાત કરવો એ સામાન્ય નાગરિકો પર અન્યાય સમાન છે.

ધીરુ ગજેરાએ ઉનાળાની આકરી ગરમીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હમણાં રાજ્યના શહેરોમાં 40 થી 45 ડિગ્રી તાપમાન છે. આવું ગરમ હવામાન અને ઉપરથી હેલ્મેટ પહેરવું સામાન્ય માણસ માટે શારીરિક તકલીફ અને તાવ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. ઘણા લોકોને ચક્કર, તાવ, માથાનો દુઃખાવો જેવી તકલીફો ઉભી થતી જોવા મળી છે.

ધીરુ ગજેરાએ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, એરકન્ડીશન રૂમમાં બેઠેલા અધિકારીઓ સામાન્ય લોકોની હાલત સમજી શકે નહીં. આવા કાયદા કોઈ જમીન પર જીવતા માણસના પરિબળોથી વિમુખ નિર્ણયો હોય છે. આવા કાયદા પર ફરી વિચાર કરવો જોઈએ.

ગજેરાએ દલીલ કરી હતી કે મધ્યમ વર્ગના લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો અને નાના વેપારીઓ, આવા કાયદાની આડમાં દંડનો ભોગ બની રહ્યા છે. હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ નાગરિકોને લૂંટે છે. શહેરી વિસ્તારો માટે અલગ ગાઈડલાઈન્સ બનાવવી જોઈએ અને ટ્રાફિકની હકીકતને આધારે જ કોઈ પણ નિયમો લાગુ કરવાં જોઈએ.

Most Popular

To Top