ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી એઈમ્સ પહોંચ્યા હતા. સોનિયા ગાંધી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
રોબર્ટ વાડ્રા, પપ્પુ યાદવ, મનોજ ઝા, સલમાન ખુર્શીદે તેમના મૃત્યુ વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું. કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 27 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી જવા રવાના થયા હતા.
રાજ્યસભાનો કાર્યકાળ આ વર્ષે 3 એપ્રિલે પૂરો થયો હતો
મનમોહન સિંહ 3 એપ્રિલે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. તેઓ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. છઠ્ઠી અને છેલ્લી વખત તેઓ 2019માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ મનમોહન સિંહને નિવૃત્તિ પર પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં ખડગેએ લખ્યું હતું કે હવે તમે સક્રિય રાજકારણમાં નહીં રહો પરંતુ જનતા માટે તમારો અવાજ ઉઠતો રહેશે. સંસદ તમારા જ્ઞાન અને અનુભવને યાદ કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પહેલીવાર મનમોહન સિંહની બેઠક પરથી રાજ્યસભા પહોંચ્યા હતા. 20 ફેબ્રુઆરીના રોજ તેઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા.
1987માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને 1987માં રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ બદલ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય 2010માં તેમને સાઉદી અરેબિયા દ્વારા ‘ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ’ અને 2014માં તેમને જાપાન દ્વારા ‘ઓર્ડર ઓફ ધ પોલોનિયા ફ્લાવર્સ’થી નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં જ શીખ સંગઠન ‘નામધારી સંગત સેવા સમિતિ’એ પણ ભારત સરકારને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની અપીલ કરી હતી.
ગાહમાં થયો હતો જન્મ, જે હવે પાકિસ્તાનનો ભાગ છે
કોંગ્રેસે મનમોહન સિંહને દૂરંદેશી રાજનેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહનો જન્મ 1932માં પંજાબના ગાહ ગામમાં થયો હતો જે હવે પાકિસ્તાનનો ભાગ છે. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી પછી તેઓ ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન છે. આ સિવાય તેઓ ભારતીય રાજકારણમાં વડાપ્રધાન પદ સુધી પહોંચનાર એકમાત્ર શીખ રાજનેતા છે.
રોબર્ટ વાડ્રાએ પૂર્વ પીએમના નિધન વિશે X પર લખ્યું
રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કર્યું, “વડાપ્રધાન મનમોહન સિંહ જીના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. અમારા રાષ્ટ્રની તમારી સેવા બદલ તમારો આભાર. દેશમાં તમારા દ્વારા લાવવામાં આવેલી આર્થિક ક્રાંતિ અને પ્રગતિશીલ ફેરફારો માટે તમને હંમેશા યાદ કરવામાં આવશે.”