નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian cricket team) દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલને (Morne Morkel) ટીમના નવા બોલિંગ કોચ (Bowling coach) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે મોર્કેલના નામની ચર્ચા પહેલાથી જ થઈ રહી હતી અને આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટ્સ સાથે કામ કર્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના આ બોલરને આ જવાબદારી આપવામાં આવશે. મોર્કેલ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે બોલિંગ કોચ તરીકે કામ કરી ચૂક્યા છે.
BCCI સેક્રેટરી જય શાહે મોર્ને મોર્કલને બોલિંગ કોચ બનવાની માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ મોર્ને મોર્કેલની પ્રથમ કામગીરી બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ 19 સપ્ટેમ્બર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની નથી. જો કે આ સમયગાળા દરમિયાન ઘણા સ્ટાર ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટમાં રમતા જોવા મળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં રમશે જ્યારે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમશે.
ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે 39 વર્ષીય મોર્કેલ પ્રાથમિક પસંદગી હતા, તેમણે લખનૌ સુપર જાયન્ટ્સમાં તેમની સાથે કામ કર્યું હતું. 39 વર્ષીય ખેલાડીએ દક્ષિણ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20I રમી છે જેમાં કુલ 544 આંતરરાષ્ટ્રીય વિકેટ છે.
એલએસજીમાં કોચ તરીકેના તેમના સમય દરમિયાન ગંભીર અને મોર્કેલ વચ્ચે સારા સંબંધો હતા. ગંભીરે કેકેઆર છોડ્યા પછી, મોર્કેલ એલએસજી સાથે બોલિંગ કોચ તરીકે રહ્યા હતા. ગંભીર અગાઉ 2014ની મેગા-ઓક્શનમાં કેકેઆરના તત્કાલીન કેપ્ટન ગંભીરે એક ખેલાડી તરીકે મોર્કેલને ટીમમાં લેેવા માટે આગ્રહ રાખ્યો હતો. ગંભીરે પહેલા પણ કહ્યું હતું કે તેઓ ફિલ્ડ ઉપર માત્ર મોર્કેલની બોલિંગથી સૌથી વધુ ડરતા હતા.
આ પહેલા એક વચગાળાના બોલિંગ કોચ શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ સાથે ગયા હતા પરંતુ ભારતીય ટીમ વનડે શ્રેણીમાં એક પણ મેચ જીતી શકી ન હતી. છેલ્લા 27 વર્ષમાં શ્રીલંકામાં ભારતીય ટીમનું આ સૌથી શરમજનક પ્રદર્શન હતું. ત્યારે ગૌતમ ગંભીર ટીમના મુખ્ય કોચ છે અને અભિષેક નાયર બેટિંગ કોચની જવાબદારી સંભાળી રહ્યા છે. આ બંને દિગ્ગજોની હાજરીમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું. જોકે, રોહિત શર્મા એકમાત્ર એવા બેટ્સમેન હતા કે જેમણે પોતાના બેટના જોરે શ્રીલંકાના બોલરોને પરેશાન કર્યા હતા.