નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાંથી સુપર 8માં પણ નહીં પહોંચી શકનાર પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ટીમ ઈન્ડિયા અંગે એક નિવેદન કરીને વિવાદ સર્જવાનો પ્રયાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયાને હરાવનાર ભારતીય ટીમના બોલરો અંગે હકે અપ્રિય ટિપ્પણી કરી છે.
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 ની સુપર-8 મેચ ઓસ્ટ્રેલિયા સામે 24 રનથી જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને હવે ટીમ ઈન્ડિયા 27 જૂને ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા સામે ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યાર બાદ રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 41 બોલમાં 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં કુલ 181 રન જ બનાવી શકી હતી અને ભારતે મેચ જીતીને સેમી ફાઇનલ્સમાં પ્રવેશ મેળવી લીધો હતો.
દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે અર્શદીપ સિંહ અને ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયા સામે બોલ ટેમ્પરિંગ કર્યું હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આ સાથે ઈન્ઝમામે કહ્યું કે આઈસીસીએ પોતાની આંખો ખોલીને જોવી જોઈએ. ઈન્ઝમામે વાયરલ ડીબેટ શોના વાયરલ વીડિયોમાં કહે કે જ્યારે અર્શદીપ સિંહ 15મી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો.
તે ખૂબ જ વહેલું હતું. બોલ 12 થી 13 ઓવરમાં તૈયાર થઈ ગયો હતો અને રિવર્સ થઈ રહ્યો હતો. કારણ કે જ્યારે અર્શદીપ 15મી ઓવર ફેંકી ત્યારે તેના બોલ રિવર્સ સ્વિંગ થવા માંડયા હતા. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો તે પાકિસ્તાની બોલર હોત, તો રિવર્સ સ્વિંગ થઈ શક્યો હોત.
અમે રિવર્સ સ્વિંગને સારી રીતે જાણીએ છીએ પરંતુ ભારતીય બોલર તે ન કરી શકે. જો 15મી ઓવરમાં અર્શદીપ સિંહનો બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો, તો તેનો અર્થ એ કે બોલ પર ગંભીર કામ કરવામાં આવ્યું છે. હકનો ઈશારો બોલ ટેમ્પરિંગ તરફ હતો. હકનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.