World

માલદીવની પૂર્વ મંત્રી મરિયમે માફી માંગી કહ્યું- ‘બીજી વાર આવું નહીં થાય..’ તિરંગાનું કર્યું હતું અપમાન

માલેઃ (Male) માલદીવની પૂર્વ મંત્રી મરિયમ શિયુનાએ (Former Maldivian Minister Mariam Shiuna) વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના ધ્વજ પર તેની સોશિયલ મીડિયા પોસ્ટ માટે માફી માંગી છે. મરિયમે વિપક્ષી પાર્ટી MDPનું પોસ્ટર પોસ્ટ કર્યું હતું જેમાં અશોક ચક્ર જેવા પ્રતીકને ભારત સાથે જોડવામાં આવ્યું હતું. તેમની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર વિવાદ સર્જ્યો હતો. ટીકા બાદ તેમણે આ અંગે માફી માંગતું નિવેદન જારી કર્યું છે. મરિયમે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું મારી તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાંથી એક વિશે વાત કરવા માંગુ છું. આ પોસ્ટે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ઘણા લોકોએ તેની ટીકા પણ કરી છે. મારી પોસ્ટથી થયેલી કોઈપણ મૂંઝવણ અથવા ઉશ્કેરણી માટે હું દિલથી ક્ષમા ચાહું છું.

મરિયમ માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુની પાર્ટી પીએનસીમાંથી આવે છે. શાસક પક્ષના નેતાએ કહ્યું કે મારા ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે માલદીવની વિપક્ષી પાર્ટી MDPને મારી પ્રતિક્રિયામાં ઉપયોગમાં લેવાયેલી તસવીર ભારતીય ધ્વજને મળતી આવે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ સંપૂર્ણપણે અજાણ્યું હતું અને તેના કારણે થયેલી કોઈપણ ગેરસમજ માટે હું ક્ષમા ચાહું છું. તેમણે એમ પણ કહ્યું કે માલદીવે હંમેશા ભારત સાથેના પરસ્પર સંબંધોને સન્માન અને મહત્વ આપ્યું છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં આવી ભૂલોથી બચવા માટે હું સોશિયલ મીડિયા પર કોઈપણ પોસ્ટ શેર કરતી વખતે વધુ સાવચેત રહીશ.

વિવાદનું કારણ શું છે?
મરિયમ શિયુનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરી છે. જેમાં ભારતના ત્રિરંગા ધ્વજમાં સામેલ અશોક ચક્રને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું. તેમાં ભાજપનું ચૂંટણી ચિન્હ પણ દર્શાવવામાં આવ્યું હતું. તેમણે લખ્યું છે કે વિપક્ષી પાર્ટી MDP પર ભારતનું દબાણ છે. આવી સ્થિતિમાં માલદીવે તેમને ટાળવાની જરૂર છે. આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું હતું કે મરિયમ શિયુનાના આવું કરવા પાછળનો હેતુ ભારતનું અપમાન કરવાનો હતો.

આ પોસ્ટ પર એમડીપીની ટીકા અને ભારતીય યુઝર્સ તરફથી આકરી પ્રતિક્રિયા બાદ શિયુનાએ આ પોસ્ટ પર માફી માંગી છે. મરિયમ શિયુના માલદીવ સરકારમાં યુવા સશક્તિકરણ, માહિતી અને કળા મંત્રી રહી ચૂક્યા છે. શિયુના મેલ સિટી કાઉન્સિલના પ્રવક્તા પણ છે. આ પહેલા શિયુના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત વખતે પણ વિવાદોમાં આવ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદીની મુલાકાત પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

Most Popular

To Top