મુંબઈ(Mumbai) : મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ સીએમ અશોક ચવ્હાણ (AshokChavan) આજે તા. 13 ફેબ્રુઆરીએ ભાજપમાં (BJP) જોડાયા છે. અશોક ચવ્હાણ મુંબઈમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા જ્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુલેએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના (Congress) પૂર્વ એમએલસી અમર રાજુરકરે પણ ભાજપનું સભ્યપદ લીધું હતું. અશોક ચવ્હાણે આજે સવારે જ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને અન્ય તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી ચવ્હાણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હતી.
અશોક ચવ્હાણના રાજીનામાથી મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકીય પરિસ્થિતિને જોતા પાર્ટીના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ આજે મુંબઈમાં કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક બોલાવી છે. અશોક ચવ્હાણના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ઘણા વધુ ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. જેના કારણે કોંગ્રેસ નેતાગીરીમાં ભયનો માહોલ છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્રમાં પાર્ટી નેતૃત્વએ આજે બેઠક બોલાવી છે.
આ સૈનિકોનું અપમાન છે: શિવસૈનાનો બળાપો
શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવાના સમાચાર પર કહ્યું છે કે જો ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે તો તે સૈનિકોનું અપમાન હશે. ખરેખર અશોક ચવ્હાણ પર આદર્શ હાઉસિંગ કૌભાંડનો આરોપ હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસે પણ આદર્શ હાઉસિંગ કૌભાંડને લઈને અશોક ચવ્હાણ પર આરોપ લગાવ્યા છે અને હવે જો તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે તો તે સૈનિકોનું અપમાન હશે.
આદર્શ કૌભાંડમાં અશોક ચવ્હાણનું નામ ઉછળ્યું હતું
તમને જણાવી દઈએ કે મુંબઈમાં સંરક્ષણ મંત્રાલયની જમીન પર એક આલીશાન રહેણાંક મકાન બનાવવામાં આવ્યું હતું. આ કેસમાં અશોક ચવ્હાણ પર ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો આરોપ હતો. આદર્શ હાઉસિંગ કૌભાંડ તરીકે તે સ્કેમ ઓળખાયું હતું. જો કે ચવ્હાણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવા પર, શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે તેમને ચેતવણી આપી હતી કે ભાજપે તેની વાસ્તવિક ઓળખ ગુમાવી દીધી છે અને તે બધા કોંગ્રેસના નેતાઓને આયાત કરી રહ્યા છે.