National

ઝારખંડના ‘કોલ્હાન ટાઇગર’ ચંપાઈ સોરેને કેસરીયા કર્યા, પૂર્વ મુખ્યમંત્રી થયા ભાવુક

નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન (Champai Soren) આજે 30 ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ત્યારે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) માટે આ બાબતને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જો કે ડેમેજ કંટ્રોલ પ્લાન માટે મુખ્યમંત્રી હેમંત સોરેને શુક્રવારે રામદાસ સોરેનને રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતા. પરંતુ ઝારખંડના ‘કોલ્હાન ટાઇગર’ ચંપાઇ સોરેનના ભાજપમાં જોડાવાથી પાર્ટીને શું અસર થશે તે તો જોવું રહ્યું.

આજે 30 ઓગષ્ટના રોજ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારે ચંપાઈ સોરેનનું પાર્ટીમાં ખુબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા અને ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ બાબુ લાલ મરાંડી મંચ ઉપર હાજર રહ્યા હતા, અને તેમણે ચંપાઇ સોરેનને ભાજપમાં સભ્યપદ સોંપ્યું હતું. આ પ્રસંગે લક્ષ્મીકાંત વાજપેયી અને અર્જુન મુંડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ પણ સમારોહ સ્થળે હાજર રહ્યા હતા.

ચંપાઇ સોરેન ભાવુક થયા, આભાર વ્યક્ત કરી પોતાની યોજનાઓ જણાવી
ઝારખંડ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા શર્માની હાજરીમાં ચંપાઇ સોરેન અને તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં કેસરીયા કર્યા હતા. ત્યારે આ પ્રસંગે પોતાના ઉષ્માભર્યા સ્વાગત બદર ઝારખંડના કોલ્હાન ટઇગર ચંપાઇ સોરેન થોડા સમય માટે ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાના સંબોધન દરમિયાન સૌ કોઇનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે તેઓ રાંચીમાં બે દિવસ રોકાશે. તેમજ અહીં રોકાઈને તેઓ રાજકારણમાં આગળ શું પગલું ભરવાનું છે તેના પર ઊંડાણપૂર્વક વિચારણા કરશે.

શિવરાજ સિંહ ચૌહાણે ચંપાઈ સોરેનની પ્રશંસા કરી
આ પ્રસંગે શિવરાજ સિંહ ચૌહાણે ચંપાઇ સોરેનની પ્રસંશા કરતા કહ્યું હતું કે ચંપાઇ સોરેને આખી જીંદગી ઈમાનદારીથી જનતાની સેવા કરી છે, આજે તેઓ ઝારખંડ ગઠબંધનની ભ્રષ્ટ સરકારને ઉથલાવવા માટે ભાજપમાં જોડાયા છે. હું તેમનું સ્વાગત કરું છું. ટાઈગર ઝિંદા હૈ… તેઓ ટાઈગર છે, ભાજપ હવે તેમની સાથે સરકાર બનાવશે અને ઝારખંડના લોકોને અહીંની સરકારથી મુક્ત કરાવશે. ચંપાઇ સોરેન ભાજપમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે, તેઓ કોર કમિટીમાં પણ હશે.

ચંપાઇ સોરેને શા માટે જેએમએમ છોડ્યું?
ચંપાઇ સોરેને પોતાની પાર્ટી ઉપર આરોપ લગાવ્યો હતો કે જુલાઇના પ્રથમ અઠવાડીયામાં તેમના તમામ સરકારી કાર્યક્રમો તેમની જાણ વગર પાર્ટીના નેતૃત્વ દ્વારા અચાનક રદ કરવામાં આવ્યા હતા અને તે સમયે તેઓ મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હતા. આ મામલે તેમણે સોશિયલ પીડિયા ઉપર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘જ્યારે મેં કાર્યક્રમ રદ્દ કરવાના કારણો વિશે પાર્ટીને પૂછ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે 3 જુલાઈએ પાર્ટીના ધારાસભ્યોની બેઠક છે અને ત્યાં સુધી હું કોઈ સરકારી કાર્યક્રમમાં ભાગ લઈ શકીશ નહીં.’ આ બાબત તેમને ખુબ જ અપમાનજનક લાગી હતી.

આટલું જ નહીં પણ તાજેતરમાં જ ચંપાઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી, જેમાં ખૂબ ‘આત્મનિરીક્ષણ’ પછી તેમણે તેમના ભવિષ્ય માટે ત્રણ સંભવિત વિકલ્પો વિશે વાત કરી હતી. ત્યારે JMM નેતાએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી, તેમના આત્મસન્માનને ફટકો પડ્યો છે અને તેમને પાર્ટીમાં તેમની ભૂમિકા વિશે કડવો અનુભવ થયો છે, જેના કારણે તેમને વૈકલ્પિક માર્ગ શોધવાની ફરજ પડી છે.

Most Popular

To Top