દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીનો આજે વિધાનસભા પરિસરમાં તૈનાત પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આતિશીએ પોલીસકર્મીઓને પૂછ્યું કે તેમને વિધાનસભામાં પ્રવેશવા કેમ દેવામાં આવી રહ્યા નથી, જેના જવાબમાં પોલીસે કહ્યું કે સ્પીકરે તેમને AAP ધારાસભ્યોને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો છે.
પોલીસની વાત સાંભળ્યા પછી આતિશીએ તે આદેશની નકલ માંગી જેમાં ધારાસભ્યોને પ્રવેશ ન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આતિશીએ પોલીસકર્મીઓને કહ્યું, મને કાગળો બતાવો. તમે કહો છો, પણ આદેશ ક્યાં છે? તેઓ મને દિલ્હી વિધાનસભામાં કેવી રીતે પ્રવેશવા નહીં દે?
આતિશીએ ટ્વીટ કરીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું, ભાજપના લોકોએ સત્તામાં આવતાની સાથે જ સરમુખત્યારશાહીની હદ વટાવી દીધી. ‘જય ભીમ’ ના નારા લગાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગૃહમાંથી ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. આજે AAP ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની પણ મંજૂરી નથી. દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી કે ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવી હોય.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યો દિલ્હી વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા નથી. LGના ભાષણો દરમિયાન સૂત્રોચ્ચાર કરવા બદલ AAPના 22 માંથી 21 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાંથી ફક્ત અમાનતુલ્લાહ ખાન જ બચી ગયા કારણ કે તે સમયે તેઓ ગૃહમાં હાજર ન હતા.
હવે આ સસ્પેન્શન કાર્યવાહી પર આમ આદમી પાર્ટીના 4 વખતના ધારાસભ્ય સંજીવ ઝા તરફથી એક નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, આપના ધારાસભ્યોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. દિલ્હી પોલીસે દિલ્હી વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. મને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નથી, પાર્કિંગની તો વાત જ છોડી દો. દિલ્હી પોલીસનું કહેવું છે કે સ્પીકરના કાર્યાલય તરફથી સૂચનાઓ મળી ગઈ છે. અમારી પાસે 10 વર્ષથી સ્પીકરનું પદ છે. પરંતુ અમે ક્યારેય આવા નિયંત્રણો લાદ્યા નથી.