Gujarat

અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર ચેઈન સ્નેચિંગના ગુનામાં ઝડપાયો

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મેમનગર ગુરુકુળ પાસે એક મહિલાના ગળામાંથી ચેઈન તોડીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરતા આરોપી પ્રદ્યુમનસિંહ વજેન્દ્રસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી હતી. યુવકે પ્રેમિકા સાથે મોજશોખ કરવા, ખર્ચા કાઢવા માટે ચેઈન સ્નેચિંગ કરી હોવાનું પણ બહાર આવ્યું છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના મેમનગર વિસ્તારમાં રાજવી ટાવરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા 25 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે એક યુવક પાછળથી આવીને આ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન કટર વડે કાપી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વૃદ્ધ મહિલાએ ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં આખીએ ઘટના કેદ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી પ્રદ્યુમનસિંહ વજેન્દ્રસિંહ ચંદ્રાવતની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી હાલમાં થલતેજ વિસ્તારના જય અંબે નગરમાં રહે છે, વધુ તપાસમાં તે મૂળ મધ્યપ્રદેશના મનાસા તાલુકાના માલાહેડા ગામનો વતની હોવાનું તેમજ આરોપી યુવકના પિતા વજેન્દ્રસિંહ ચંદ્રાવત મધ્યપ્રદેશની મનાશા વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ કરી છે.

Most Popular

To Top