સુરત: રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ ભાજપન હાઈકમાન્ડ અને તેની કામગીરી પર આક્ષેપો કરતો લખેલો સાત પાનાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજ્યના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે. “વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે.” તેવા શિર્ષક સાથે લખાયેલા પત્રમાં નાનુ વાનાણીએ ભાજપના વહીવટ, કાર્યપદ્ધતિ અને સાંસ્કૃતિક પરિવર્તન પર તીખી ટીકા કરી છે.
- ભાજપમાં ગુજરાતનું નહીં, યુપી-બિહાર જેવું રાજકારણનું કલ્ચર ઘૂસી ગયું છે: નાનુ વાનાણી
- ભાજપના પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ લખેલો સાત પાનાનો પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ
- પત્રમાં વાનાણીએ લખ્યું કે, નૈતિક, વહીવટી અને કાર્યપદ્ધતિના પરિવર્તનોને કારણે ભાજપના કાર્યકરો અંતુષ્ટ, વ્યથિત છે
- “વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે.”
આ પત્રમાં ભાજપના વહીવટી મોડલના વિવિધ પાસાઓ, જેમ કે નાગરિક કેન્દ્રિત, વ્યક્તિ કેન્દ્રિત, કાર્યકર્તા કેન્દ્રિત અને અધિકારી કેન્દ્રિત વહીવટની વિગતો આપવામાં આવી છે. તેમાં ગુજરાતની સ્થિર અને શાંત પ્રજાની મહાજની રાજનીતિની પસંદગીનો ઉલ્લેખ છે. ગુજરાતીઓની સ્વભાવગત મૂડીવાદી વિચારધારા હોવા છતાં, મહાત્મા ગાંધી અને અન્ય મહાનુભાવોના પ્રભાવે સમર્પણ, સેવા અને સાદગીનો ભાવ પ્રબળ રહ્યો છે. આ કારણે આઝાદીથી 1990 સુધી કોંગ્રેસ અને 1995થી ભાજપનું સ્થિર શાસન રહ્યું છે. પત્રમાં દાવો કરાયો છે કે ગુજરાતની પ્રજા તિકડમી અને અસ્થિર રાજનીતિને બદલે સ્થિર શાસનને પસંદ કરે છે.
પત્રમાં ભાજપની વિચારધારા “એકાત્મ માનવવાદ” પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રને જોડતી શૃંખલા તરીકે ઓળખાય છે. આ વિચારધારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની છે, જે “વસુધૈવ કુટુંબકમ”ની ભારતીય ઋષિ પરંપરા પર આધારિત છે. જો કે, પત્રમાં ભાજપના નૈતિક, વહીવટી અને કાર્યપદ્ધતિના પરિવર્તનોને કારણે પક્ષના પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ અને વિષાદની લાગણી ઉભી થઈ હોવાનું વિશ્લેષણ છે. સાથે સાથે આ પત્રમાં ગુજરાત ભાજપમાં યુપી-બિહારની જેવું રાજકારણ ઘૂસી ગયું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. પત્રમાં કરાયેલી ભાજપના આંતરિક વહીવટ અને કાર્યપદ્ધતિ પરની આ ટીકા આગામી રાજકીય ઘટનાઓ પર કેવી અસર કરશે, તે જોવું રહ્યું.
યુપી-બિહાર જેવું રાજકારણ ભાજપમાં ચલાવી લેવાય તેવું નથી: નાનુ વાનાણી
નાનુ વાનાણીએ જણાવ્યું હતું કે, આ પત્ર તેમના દ્વારા જ લખવામાં આવ્યો છે. ગુજરાત ભાજપમાં જે સ્થિતિ છે તેણે પક્ષનું આખું કલ્ચર બદલી નાખ્યું છે. આ ગુજરાતનું કે ગુજરાતના રાજકારણનું કલ્ચર નથી. યુપી-બિહાર જેવું રાજકારણનું કલ્ચર ભાજપમાં ઘૂસી ગયું છે. આ પત્ર હકીકતમાં તો માર્ચ માસમાં લખ્યો હતો પરંતુ હાલમાં બે વિધાનસભાની પેટાચૂંટણીને કારણે તે મોકલાયો નહોતો. હવે તેને મોકલાયો છે. આગામી ડિસેમ્બર માસમાં મહાપાલિકાઓની ચૂંટણી છે ત્યારે હું આશા રાખું છું કે તે પહેલા પક્ષમાં બદલાવ આવે અથવા તો મતદારો બદલાઈ જશે.