સુરત: સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીઝ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ૫ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ ખંડણી પેટે 45 લાખની રકમ ઉધરાવવા આવેલા 2 ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- સચિનના ઉદ્યોગપતિને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
- ખંડણી પેટે 45 લાખ લેવા આવનારા બે ઈસમને ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવી દબોચી લીધા
- સેટલમેન્ટના 45 લાખ અને દર વર્ષે 11 લાખનો હપ્તો નક્કી કર્યો હતો
આ અંગે આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે આજથી ચાર મહિના પહેલાં અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ નામના બે વ્યક્તિઓ મહેન્દ્રકુમાર ધીરજલાલ રોમલિયા (રહે. આકૃતિ બંગ્લોઝ, વેસુ. મૂળ અમરેલી) પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એન્વાયર અને ગ્લોબ એનવાયરો લિમિટેડ નામની બે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ થાય છે અને આ બાબતના પુરાવા અમારી પાસે છે.
અમે જીપીસીબી વિભાગમાં આ પુરાવા રજૂ કરી જીપીસીબી તરફથી ક્લોઝર અપાવી ખોટા કેસમાં ફસાવી નાખીશું અને જો આગળની કાર્યવાહી ન કરવી હોય તો તેના પેટે 5 કરોડ રૂપિયાની માંગ કરી રૂપિયા નહીં આપો તો ફસાવી દેવાની ધમકી આપી 45 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. તેમજ દર વર્ષે 11 લાખ રૂપિયા હપ્તા પેટે આપવાનું જણાવ્યું હતું. જેને લઈ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી.
તે સંદર્ભે પોલીસે અજયભાઈ રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે બે કાર અને રોકડા 45 લાખ મળી 51 લાખ 40 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંનેના ઘરે મોડી રાત્રે સર્ચ કરતા લેપટોપ મોબાઈલ અને અનેક ફાઈલો મળી આવી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કોને-કોને બ્લેકમેઈલ કર્યા આ સાથે કોને કોલ કર્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે.
બે વર્ષથી ડાયરેક્ટર તરીકે મહેન્દ્રકુમાર રામોલિયાની નિમણૂક
સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો વેસ્ટ કેમિકલ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા સચિન ઇન્ફ્રા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબ એન્વાયરો લિમિટેડ નામની સંસ્થાના કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મૂકવામાં આવે છે. આ સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીબીના નિયમો અનુસાર કરે છે ત્યારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બે વર્ષથી મહેન્દ્રકુમાર ધીરજલાલ રામોલિયા ડાયરેક્ટર છે.
શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ
અવારનવાર આ મામલે અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ મહેન્દ્રકુમારની ઓફિસે આવી રૂપિયાની માંગ કરતા બંને શખ્સોથી કંટાળી મહેન્દ્રકુમાર પોલીસ કમિશનરને મળ્યા હતા અને આખી હકીકત જણાવી હતી. જેથી, પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
આરોપીઓને ખંડણીના રૂપિયાની સાથે પકડી પાડ્યા
ઘટના અંગેની વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ગત તા. 1 ફેબ્રુઆરી 2025ના રોજ બંને આરોપીઓએ ફરિયાદીને ફોન કરી રૂપિયાની માંગ કરતા તે બાબતની જાણ ક્રાઈમ બ્રાન્ચની ટીમને થઈ હતી. જેથી, ટીમ દ્વારા ફરિયાદીને જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને સચિન જીઆઇડીસી મધુસુદન ફેબ્રિક્સના ખાતા પાસે બોલાવ્યા હતા અને રૂપિયા લઈ જાઓ એવું કહ્યું હતું.
અહીં પહેલેથી જ આ જગ્યા પર સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે વોચમાં હતી. આ દરમિયાન આરોપીઓ ખંડણી પેટે માંગેલા 45 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ પરત જતા હતા. તે જ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓને રંગેહાથ ખંડણીના રૂપિયાની સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
તેજસ પાટીલના પિતા અગાઉ પાંડેસરાના ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે
તેજસ પાટીલ ભૂતપૂર્વ ભરત પાટીલનો છોકરો છે. તેના પિતા છેલ્લાં કેટલી સમયથી ભાજપ પાર્ટીમાં દબદબો હતો. હાલ તે પાર્ટીમાં નિષ્ક્રિય છે. ભરત પાટીલ અગાઉ ઉધના સિટીઝન બેંકમાં વાઇસ ચેરમેન હતા. ભરત પાટીલ વિરૂદ્ધ પણ બેંક ફ્રોડનાં કેસો થાય હતા અને બે વર્ષ જેટલો સમય લાજપોર જેલમાં રહી ચૂક્યા છે.
અજયે પૈસા લેવા તેજસને મહેન્દ્ર રમોલિયાની ઓફિસે મોકલ્યો હતો
સાતીર અજયએ 45 લાખમાં મેટર સેટલ કરવાનું નક્કી કરી ગત 01મીના રોજ તેજસને મહેન્દ્ર રામોલિયાની ઓફિસે મોકલ્યો હતો. ત્યાં મહેન્દ્રભાઈએ અજય આવશે તો જ પૈસા આપવાનુ કહેતા પૈસા લેવાની લાલચ અજયને મહેન્દ્ર રામોલિયાની ઓફિસ સુધી ખેંચી લાવી હતી. પૈસા ભરેલો થેલો જોઈ અજયની આંખો અંજાઈ ગઈ હતી. જો કે આ રીતે તે આબાદ ક્રાઈમ બ્રાંચના છટકામાં સપડાયો હતો.
આરટીઆઈ કરી અજય કંપનીના માલિકોને બ્લેક મેઈલ કરી પૈસા ખંખેરતો
અજય એક એમોથી કામ કરતો હતો. અજય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં RTI કરતો અને ઇન્ડસ્ટ્રીનાં કંપની સંચાલકોને બ્લેક મેઈલ કરતો હતો. અજય લાગતા વગળતા તમામ વિભાગોમાં અરજીઓ કરતો અને અધિકારીઓને દબાણ કરતો હતો.
અધિકારીઓનું દબાણ વધતાં સંચાલકો અજય પાસે સરેન્ડર થતાં પણ અજય પૈસા નક્કી કરવા અન્ય તેના સાગરીતને મોકલતો અને પૈસા નક્કી થયા પછી અન્ય બીજા સાગરીતને મોકલતો હતો. ઘણા સમયથી તે કોઈના હાથમાં આવતો ન હતો. આખરે મોટા રૂપિયાની લાલચે તેને જેલ ભેગો કરી દીધો હતો.
તેજસ પાટીલનાં સંગીતા પાટીલ સાથે રાખડી બાંધતા ફોટા વાયરલ થયા
સુરત: ફેસબુક પર રાજકીય માથાં સાથેના ઘનિષ્ઠ સંબંધો બતાવીને લોકોને બ્લેકમેલ કરનારા તેજસ પાટીલ સંગીતા પાટીલનો પોતે ભાઇ હોવાનું જણાવતો હતો. એવું કહેવાય છે કે, તેજસ પાટીલની ફરિયાદ પીએમઓ તથા સીએમઓ સુધી સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવી હતી.
દરમિયાન તેજસ પાટીલ સામે સંખ્યાબંધ ફરિયાદો આવતાં આખરે આ મામલે ગૃહમંત્રાલયે પોલીસને આદેશ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં સચિન જીઆઇજીસી ઉપરાંત તેની આસપાસનાં સાત જેટલા પોલીસ સ્ટેશનોમાં રાજકીય આગેવાનો સાથે ફોટા પડાવીને કરોડો રૂપિયાની તોડબાજી કરાઇ રહી છે. તેમાં સ્થાનિક ડી-સ્ટાફના કેશિયરો હોય કે પછી માથાભારે તત્ત્વો હોય આ તમામ લોકોએ આતંક મચાવ્યો છે. દરમિયાન હાલમાં તો પોલીસે તેજસ પાટીલને જેલમાં પૂરતાં તેની પાસેથી એકાવન લાખની મતા જપ્ત કરવામાં આવી છે.
