ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાઇલિશ બેટ્સમેન માઈકલ ક્લાર્કને સ્કિન કેન્સર હોવાનું નિદાન થયું છે. ભૂતપૂર્વ બેટ્સમેને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરીને ચાહકો સાથે પોતાના હેલ્થ અપડેટ શેર કરી છે. તેણે ચાહકોને કેન્સર પ્રત્યે જાગૃત રહેવાની પણ અપીલ કરી છે. તેણે કહ્યું કે દરેક વ્યક્તિએ નિયમિતપણે પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ.
માઈકલ ક્લાર્કે સોશિયલ મીડિયા પર લખ્યું
ક્લાર્કે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, “સ્કીનનું કેન્સર વાસ્તવિક છે! ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં. આજે મારા નાક પર બીજો કાપો પડ્યો છે. બધાને તેમની ત્વચાની તપાસ કરાવતા રહેવાનું કહું છું. ઇલાજ કરતાં નિવારણ વધુ સારું છે પણ મારા કિસ્સામાં નિયમિત તપાસ અને વહેલા નિદાન મુખ્ય હતા. ડૉ. બિસોલીમનને વહેલા નિદાન થયું તે બદલ હું ખૂબ આભારી છું.”

ત્વચા કેન્સરનું કારણ શું છે?
ત્વચાના કેન્સરનું મુખ્ય કારણ ત્વચાના કોષોનો અનિયંત્રિત વિકાસ છે, જે મુખ્યત્વે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા ટેનિંગને કારણે થઈ શકે છે. આ વિશ્વભરમાં કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે, જેને વહેલા શોધી શકાય છે અને તેની સારવાર કરી શકાય છે. આ કેન્સર ઓસ્ટ્રેલિયામાં એક સામાન્ય રોગ છે.
ક્લાર્કની ક્રિકેટ કારકિર્દી
44 વર્ષીય ક્લાર્કે 2003 માં માત્ર 22 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તે 2015 સુધી સતત ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ રહ્યો. તેણે પોતાની કારકિર્દીમાં 115 ટેસ્ટ, 245 વનડે અને 34 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. તેણે ટેસ્ટમાં 28 સદી અને વનડેમાં 8 સદી ફટકારી. તેણે ટેસ્ટમાં 8643 રન અને વનડેમાં 7981 રન બનાવ્યા. તે 2012 માં તેની કારકિર્દીમાં ફક્ત એક જ વાર IPLનો ભાગ બન્યો હતો.
ક્લાર્કની કેપ્ટનશીપ હેઠળ ખાસ સિદ્ધિઓ
ક્લાર્કની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમે 2013-14 માં રમાયેલી એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડને 5-0 થી હરાવ્યું હતું. આ ઉપરાંત તેણે ટીમને 2015 ODI વર્લ્ડ કપનો ખિતાબ પણ જીતાવ્યો હતો. તેની ગણતરી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસના મહાન બેટ્સમેનોમાં થાય છે.