સુરત(Surat): સુરત લોકસભા બેઠકના (Loksabha Seat) કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીના (Nilesh Kumbhani) ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ (Affidavit) બાદ સુરતના રાજકારણમાં (Politics) ધમાસાણ મચી ગયું છે. કુંભાણીની ઉમેદવારી રદ થઈ જવા સુધી મામલો પહોંચી જતા કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ છે.
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણી અને ભાજપ તરફથી મુકેશ દલાલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ બેઠક પરથી વિવિધ પાર્ટી તરફથી કુલ 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આજે નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કલેક્ટર સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. કુંભાણીના ફોર્મ જે ટેકેદારોએ સહી કરી છે તે ખોટી છે તેવી તે જ ટેકેદારોની એફિડેવિટ આ સાથે રજૂ કરતા રાજકારણ ગરમાયું છે.
આ એફિડેવિટના લીધે કુંભાણીની ઉમેદવારી સામે જ પ્રશ્ન ખડા થઈ ગયા છે. દરમિયાન કુંભાણીનું ફોર્મ રદ્દ કરાયું હોવાની ચર્ચા ઉઠી છે. કુંભાણીના ફોર્મ રદ થવા અંગેની જાણ કોંગ્રેસને કરી દેવાઈ હોવાની પણ વાત સામે આવી છે. હવે કોંગ્રેસ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરે તેવી શક્યતા છે. કોંગ્રેસે સુરત જિલ્લા કલેક્ટર પાસે પણ એક દિવસનો સમય માંગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થાય તો સુરત લોકસભા બેઠક પરથી સુરેશ પડસાળા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી શકે છે. કારણ કે પડસાળાએ ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. નોંધનીય છે કે સુરત લોકસભા બેઠક પર કુલ 24 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભાઈ પટેલ પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી, લોગ પાર્ટી, બહુજન રિપબ્લિકન સોશયલિસ્ટ પાર્ટી અને ચાર અપક્ષ છે.
કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ આ ઘટનાને વખોડી કાઢતા કહ્યું કે, લોકશાહીમાં ચૂંટણી તંત્રનું આ ફારસ છે. ટેકેદારો કોંગ્રેસના જ છે તો આવું કેમ થયું? ધારાસભ્ય અને સાંસદોની હરાજી હોય ત્યાં ટેકેદારોની શું વિસાત? ટેકેદારોએ છેલ્લી ઘડીએ અરજી કરી છે. તેઓ અમારા સંપર્કમાં છે. ટેકેદારોને કોઈ પ્રેમભાવ અને કોઈ રામભાવથી ઊંચકી ગયા છે. અમે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરીશું. અરજન્ટ સુનાવણી હાથ ધરી રાત સુધીમાં ઓર્ડર મળે એવી પ્રાર્થના કરીશું.