Charchapatra

વિસરાયેલાં ગાયકો

વાત ફિલ્મી ગાયકોની છે. એક જમાનામાં જે બે ગાયકોનો ફિલ્મ જગતમાં ડંકો વાગતો હતો, તે ગાયકો સમયના વહેણમાં વહી ગયાં. મોહમ્મદ રફી જયારે જામી રહ્યા હતા ત્યારે પણ એ ગાયકો ટકી રહ્યા હતા. એક ખાન મસ્તાન અને બીજા જી. એમ. દુરાની ઝાંખા પડતા ગયા અને દુર્દશાગ્રસ્ત થઇ ગયા. એમાંયે દુરાની તો એવી દશાની દિશામાં ધકેલાઈ ગયા કે જીવનનિર્વાહ પણ મુશ્કેલ થઇ ગયો. નછૂટકે ફિલ્મોમાં એકસ્ટ્રા આર્ટિસ્ટ તરીકે કામ કરવા પણ તૈયાર થઇ ગયા. રાજકપુરની ફિલ્મ શ્રી ચારસો વીસમાં નાદીરા સાથેના એક ગીતમાં સમૂહ નૃત્યમાં ભાગ લેવા સજ્જ હતા ત્યારે તેમની પર રાજકપુરજીની નજર પડી ગઈ એટલે તેમને ત્યાંથી ખસેડી લીધા.

ત્યાર બાદ તેમની ફિલ્મ ‘બુટપોલિસ’માં દુરાની માટે અનાથાલયના ધનયાચક સરઘસમાં ગીત ગાતા સંચાલકના પાત્રમાં ગોઠવી દીધા. એક ખાસ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં ગોઠવી દીધું અને તે દુરાનીજીએ લલકારતા દર્શાવ્યા, જે માત્ર અભિનય સાથે અન્ય સ્વરમાં દુરાનીજીએ પ્રસ્તુત કર્યું. તે પછી ઘણાં વર્ષે બીજા એક ચલચિત્ર ‘લાલ પત્થર’માં પણ નવાબી બેઠક પરથી રફી કંઠે રજૂ કર્યું.  સમય સમયની વાત છે અને કપરા કાળમાં એવી પરિસ્થિતિ પણ ભોગવવી પડી. વિસરાયેલાં એવાં ગાયકો સ્વાર્થી ફિલ્મજગતમાં અનેક છે, જેમણે પોતાના ભાવિ માટે આયોજન કર્યું. તેઓ દુર્દશાથી બચી ગયા. એક ગાયકે તો ગીત ગાયનમાં તકો નહીં મળતાં નછૂટકે ખલનાયકની ભૂમિકાઓ ભજવવાનો વારો આવ્યો, કયારેક શ્યામનામે તે સ્વર સાંભળી શકાય.
સુરત     – યુસુફ ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top