Business

ખેડૂતોનાં દેવાં માફ કરવા હૃદય જોઈએ, બજેટ નહીં

ખેડૂતો માટે પ્રથમ દેવા રાહતનો કાયદો ડેક્કન એગ્રીકલ્ચરલ રીલીફ એક્ટ 1879 માં આવ્યો. જે ભારતભરમાં લાગુ પાડવામાં આવ્યો હતો. જો કોઈ ગામના રજીસ્ટ્રાર પાસે નોંધાયા વગર ખેડૂત સાથે લખાણ કરે તો તે પણ પુરાવામાં ન લેવાશે એવી જોગવાઈ હતી. ત્યાર બાદ ખેડૂતોના દેવા રાહતનો 1947 માં આવ્યો જેમાં 1955 સુધી સુધારા-વધારા થયા.

14 ઓગસ્ટે 1976 ના રોજ રાષ્ટ્રપતિએ ગુજરાતના ખેડૂતો અને શ્રમિકો માટે દેવા માફીનો કાયદો ગુજરાત રૂરલ ડેટર્સ રીલીફ એક્ટ 1976 અમલમાં મૂકેલ. જેમાં માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ ગ્રામ્ય શ્રમિકોને પણ દેવામાંથી રાહત આપવામાં આવી હતી. કટોકટી હતી તો પણ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી ખેડૂતોને અને શ્રમિકોને દેવાં માફી આપી શક્યાં હતાં. જો કોઈએ મુદ્દલની રકમથી વધુ વ્યાજ વસૂલ કર્યું હોય તો તેના રીફંડની પણ જોગવાઈ હતી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતોનો સિંહફાળો હતો. સરદાર પટેલે બારડોલીના સત્યાગ્રહમાં ખેડૂતોની આર્થિક હાલત જોઈ હતી. બારડોલીના સત્યાગ્રહ વખતે અંગ્રેજોનું વલણ એ હતું કે જો ખેતી પોષાતી ન હોય તો શા માટે ખેડૂતો આ ખેતી કરે છે? શા માટે જમીન વેચી નથી દેતા? અંગ્રેજોને જવાબ આપ્યો હતો કે ખેતીની જમીન ખેડૂતોને સમાજમાં આર્થિક દરજ્જો અપાવે છે. સંતાનોનાં લગ્ન નક્કી કરવા માટે એક અગત્યનું પરિબળ બની રહે છે. જેથી ખોટ ખાઈને પણ ખેતી ચાલુ રાખવી પડે છે. આઝાદી પહેલાં ખેડૂતો અંગ્રેજોને કહેતાઃ ફૂલ કા ફૂલ કપાસ કા, ઔર ફૂલ કાયકા?, રાજા કા રાજા મેઘરાજા, ઔર રાજા કાયકા?”

ખેડૂતોનું કહેવું હતું કે જમીન ખાલસા કરનાર મેઘરાજા હોઈ શકે, અંગ્રેજો નહીં. ખેડૂતો જેની પર મદાર રાખતા તે મેઘરાજાએ આ વર્ષે જાણે ખેડૂતોની જમીન ખાલસા કરાવવી હોય તેવી દાનતથી હિન્દુઓના નવા વર્ષમાં કમોસમે તૂટી પડ્યો, પરંતુ વાંક મેઘરાજાનો નથી, વિકાસ કરવા માટે જંગલો કાપનારાઓનો, પ્રદૂષણ ફેલાવનારાઓનો અને તેને કારણે ગ્લોબલ વોર્મિંગ ફેલાવનારાઓનો વાંક છે.

આજે પચાસ વર્ષ પછી ફરી દેવાં માફીની જરૂર ઊભી થઈ છે. ખેડૂતોને દેવાં માફીની માંગણી ફરી ઊઠી છે. હાલમાં માત્ર ખેડૂતો અને શ્રમિકો માટે જ નહિ, જે વિદ્યાર્થીઓ દેવું કરી વિદેશમાં ગયા છે અને વિદેશોની નવી નીતિમાં અળખામણાં બન્યા છે, નોકરીના ફાંફા છે તેમને દેવું નહિ તો વ્યાજ માફ કરવાની જરૂર ઊભી થવાની છે. દેવા માફી નાગરિકને નવી જિંદગી, નવી આશા અને નવો ઉમંગ આપે છે. ભાર વિનાની ખેતી કરવા પ્રેરે છે. પોતાનું કોઈક છે એમ ખેડૂતને લાગે છે. ભારતમાં ખેડૂતો સાથે છેતરપિંડી વંશવાદના યુગથી ચાલી આવેલ છે. છતાં ખેતી ચાલુ છે કેમકે યુગે યુગે કોઈક મહાપુરુષ પેદા થાય છે અને ખેડૂતોને સાચવી લે છે.

જે લોકો તવંગર કુટુંબમાંથી આવ્યાં હતાં કે બેરિસ્ટર હતા તેમણે 1936 માં સમાજવાદનો સ્વીકાર કર્યો. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ સમાજવાદની ધડકન દેખાય છે. દેશભરમાંથી જમીનદારી, જાગીરદારી, ઈનામદારી કાઢી નાંખી ગણોતિયા કે ખેતી કરનારને માલિક બનાવવામાં આવ્યા. ફરી જમીનદારી ન આવે એટલા માટે ખેતીની જમીન પર ટોચમર્યાદા લાદવામાં આવી અને 8 કિ.મી. ની બહારની વ્યક્તિ ખેતીની જમીન ન ખરીદી શકે તેવા કાયદા થયા. પરંતુ 1992 પછી સમાજવાદી કાયદાઓ એક પછી એક સીધી કે આડકતરી રીતે રદ થતાં જાય છે. એન.આર.આઈ. પણ 7/12 માં હોય છે અને કિસાન સન્માન યોજનાના લાભ મેળવે છે. હકનું ન આપો ત્યારે હરામીઓ લઈ જાય છે એવી કહેવત વધુ પડતી લાગે પરંતુ ઘણી વાર આમ થયાનું દેખાય છે. જેઓ ગરીબીમાંથી રાજકારણમાં આવ્યા તેમણે ઉપભોક્તાવાદી મૂડીવાદનો સ્વીકાર કર્યો એમાં ખેડૂતો કરતાં દલાલોને વધુ ફાયદો થયો, કંપનીઓને વધુ ફાયદો થયો.

ખેડૂતોને ખેતીમાં વારંવાર નુકસાન જશે તો કંપનીઓને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતરો આપશે અથવા તો બિનખેતી માટે વેચશે. કુદરત પણ જાણે નારાજ થઈ કંપનીકારણીઓને મદદ કરતી હોય એમ રૂઠી છે! જેમને લાગતું હોય કે રૈયતવારી પ્રથા નિષ્ફળ ગઈ છે તેઓ જમીનદારી પાછી લાવી શકે છે. ખેડૂતો અને સરકાર વચ્ચે જમીનદારો, જાગીરદારો અથવા કંપનીઓ લાવી શકે છે, જેથી રાજકારણીઓની ખેડૂતો પ્રત્યે કોઈ જવાબદારી રહે નહીં. કંપનીઓ તો ખેડૂતોને કહી શકે છે, “કમોસમી વરસાદ કે અતિવૃષ્ટિ એ તો કુદરતનો વાંક છે અમે શું કરીએ? મજૂરી કરવા અન્ય દેશોમાં જાવ, અહીં તમારું કોઈ નથી.” બાબાઓ કહી શકે કે આ તો ઈશ્વરનો પ્રકોપ છે, દાન કરો! સ્વર્ગ મળશે!

બારડોલીના સત્યાગ્રહ દરમ્યાન સરકારનો વિરોધ કરવા દાદુભાઈ દેસાઈ અને જીવાભાઈ પટેલ (ખેડા), જેઠાલાલ સ્વામીનારાયણ (અમદાવાદ), વામનરાવ મુકાદમ (પંચમહાલ), ભીમભાઈ નાયક, શિવદાસાની અને દીક્ષિત (સુરત), અમૃતલાલ શેઠ અને હરિભાઈ અમીન ધારાસભ્યોએ રાજીનામાં આપેલ. આજે તો એવી હિંમત કોણ કરે? એક-એક બેઠકની ચૂંટણીનો ખર્ચો જ કરોડોમાં હોય છે! જ્યારે જ્યારે માથાઓ જોઈએ ત્યારે ખેડૂતો અને ખેતમજૂરો યાદ આવે છે. વંશવાદને ઉથલાવ્યા બાદ રશિયા અને ચીને સમાજવાદ ચાલુ રાખ્યો છે. ભારતમાં 1992 પછી મૂડીવાદી દેશોના કાવતરાના ભાગરૂપે સુધારાના નામે ઉપભોક્તાવાદ અને કોર્પોરેટ કેપિટાલિઝમ આવી ગયા. વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવામાં આવી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કાઢવામાં જેમણે બલિદાન આપ્યા હતાં તે એળે જવાના હોય તેમ લાગી રહ્યું છે.

રામાયણ, મહાભારત કે ગીતામાં ખેડૂતો વિષે કોઈ વાત નથી. મનુ અને કૌટિલ્ય વેરાની વાત કરે છે. પ્રગતિશીલ રાજકારણને બદલે રૂઢિચુસ્ત ધર્મમાં માનતા રાજકારણી દેવા માફીના ઠરાવ લાવે એવી શક્યતા ઓછી દેખાય છે. અધિકારીઓ “કોઈ સરકારી નીતિ ન હોવાથી દેવા માફી ન થાય” એમ કહીને ઊભા રહી જશે. પરંતુ સરકારી નીતિ બનાવવી છે કોણે? દુર્ઘટનાઓમાં ઈજા પામેલાં કે મૃત્યુ પામેલાંઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મોદી સાહેબ નિયમિતપણે રૂપિયા પચાસ હજાર અને વધારાની સહાય જાહેર કરે છે. ટ્વીટર એક્સ પર ફોલોવર હોવાથી નિયમિત સંદેશા મળે છે. પરંતુ અતિવૃષ્ટિ એ પણ દુર્ઘટના છે. ઈજા થાય છે. આપઘાત થાય છે પણ જોવાવાળું કે દેખાડવાવાળું કોઈ જોઈએ ને?
– કુમારેશ ત્રિવેદી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top