સમ્ એટલે સારી રીતે અને બંધ એટલે જોડાવું. આજે વ્યકિત વસ્તુની કાળજી જે રીતે લે છે તે રીતે વ્યકિતની લેતો નથી. પોતાના વાહન પર ઘસરકા પડે તો દુ:ખ થાય છે, પરંતુ સંબંધોમાં ઉઝરડા પડે તો દુ:ખ નથી થતું. ટેકનોલોજીએ તેને એકલા રહેતા પણ શીખવી દીધું છે. એક નાનકડો છોડ પણ દરરોજ પાણી પીવામાં ન આવે, સમે સમયે ખાતર નાંખી તેનું જતન, સંવર્ધન કરવામાં ન આવે તો સૂકાઇ, મૂરઝાઇ જાય છે. તો જીવંત વ્યકિતની માવજત અનેક ગણી મહેનત માંગી લે છે! તેમાં લાગણીનું મેળવણ ઉમેરવું પડે, તેમાં ‘સમય’ રૂપી ખાતર નાંખવું પડે.
આજે મોટાભાગનાં સંબંધોમાં ગણતરીએ સ્થાન લઇ લીધું છે. આ વ્યકિત મને કઇ રીતે કામની છે તેના પર સંબંધો ટકેલા છે. આમ, જોવા જઇએ તો ‘every Relationship is painful’. સંબંધ કોઇ પણ હોય – માતા પિતા અને સંતાનનો, પતિ-પત્ની, મિત્ર – મિત્રનો તેનું જતન કરવામાં નહીં આવે તો આ ઝરણું સૂકાઇ જશે જેમાં બે મત નથી. સંબંધમાં અપેક્ષા અપેક્ષિત છે. અપેક્ષા પૂરી ન થાય ત્યારે દુ:ખ થાય છે. ભગવતીકુમાર શર્મા કહે છે ‘મારા બધાં દુ:ખો અપેક્ષામાં ઉછર્યા, એની બહાર તો એનું અસ્તિત્વ પણ નથી.’
સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.