Dakshin Gujarat

વનવિભાગે પીછો કરતાં ખેર ભરેલો ટેમ્પો ડિવાઈડર સાથે ભટકાયો, લાકડાંનો આટલો જથ્થો જપ્ત કરાયો

વલસાડ: મહારાષ્ટ્રથી ગુજરાતમાં લાવવામાં આવતા ખેરના લાકડાના નેટવર્કને નાબૂદ કરવા ફતેપુર રેંજના વન અધિકારીઓએ મહારાષ્ટ્ર ગુજરાત સરહદે વોચ ગોઠવતા બાતમીવાળા ટેમ્પાનો પીછો કરતા ઘોટવળના ઘાટ નજીક ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગૂમાવતા ડિવાઈડર સાથે અથડાઈને અટકી ગયો હતો. પીકઅપમાંથી રૂ.76920ની કિંમતના ખેરના લાકડા મળી આવ્યા હતા.

  • વનવિભાગે પીછો કરતાં ખેર ભરેલો ટેમ્પો ડિવાઈડર સાથે ભટકાયો, ચાલક નાસી છૂટ્યો
  • ઘોટવળ નજીકથી ફતેપુર રેન્જના વન અધિકારીઓએ ટેમ્પોમાંથી રૂ.76920ના ખેરનાં લાકડાંનો જથ્થો ઝડપી પાડ્યો

વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ફતેપુર રેન્જ આર.એફ.ઓ.ને મળેલી બાતમી આધારે ટુકવાડા રાઉન્ડ ફોરેસ્ટર જે.એ. પવાર સહિતની ટીમે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન વહેલી સવારે 4.30 કલાકે પિકઅપ નંબર (એમએચ-43 બીબી-0220) આવી પહોંચતા અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ટેમ્પો ભગાવી દીધો હતો. જોકે ઘોટવળ નજીકના ઢાળવાળા માર્ગ ઉપર ઘાટ નજીક સ્ટિયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર સાથે અથડાઈને અટકી ગયો હતો અને ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટયો હતો.

વન અધિકારીઓએ ટેમ્પામાંથી રૂ.76920ની કિંમતના છોલેલા ખેરના 19 નંગ ચોરસા કબજે કર્યા હતા. વન વિભાગે રૂ.1 લાખના પિકઅપ ટેમ્પો સહિત કુલ રૂ.176920 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં સુલિયા બીટ ગાર્ડ એચ.બિ.કુંનડીયા, તેરી ચીખલી બીટ ગાર્ડ ડી.વી.ચંદ્ર વડીયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વધુ તપાસ ફતેપુર રેન્જના આર.એફ.ઓ. કે.એમ.પટેલ કરી રહ્યા છે.

Most Popular

To Top